ભાવનગર : રાંધણ છઠ એટલે ભોજન બનાવીને બીજા દિવસે આરોગવાની હિન્દુ ધર્મની પરંપરા. શીતળા માતાજીના માતમ નિમિતે વર્ષોથી ચાલી આવતી પરંપરા ભાવનગરમાં આધુનિક સમયમાં પણ ઘરે ઘરે નિભાવવામાં આવે છે. સાતમના આગળના દિવસે ભોજન બનાવવાનું હોવાથી તેને રાંધણ છઠ કહેવામાં આવે છે. રાંધણ છઠે ભાવનગરના હિન્દુ ઘરોમાં અનનવી રસોઈ બની છે અને બાદમાં ચૂલાને ઠારવાની વિધિ કરાઈ હતી.
અમારા વડવાઓની આ પરંપરા આજે અમે પણ યથાવત રાખી છે. રાંધણ છઠ હોવાથી રાત્રે સૂંતા પહેલા જ સાતમનું રાંધી લઈએ છીએ અને આવતીકાલે સાતમના દિવસે ટાઢું ખાઈને સાતમની ઉજવણી કરીએ છીએ...શારદાબેન પંડિત (ગૃહિણી)
શું છે રાંધણ છઠનું મહત્વ : લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે રાંધણ છઠના દિવસે રાત્રે રસોઈ કર્યા બાદ ચૂલો ઠારવો જોઈએ. કારણ કે શીતળામા રાત્રે ઘરે ઘરે ટહેલવા નીકળે છે અને ચૂલામાં આળોટતા હોય છે. જો ચૂલો ઠારવામાં ન આવ્યો હોય તો માતાજી દાઝી જાય છે અને કોપાયમાન થાય છે. માતાજી કોપાયમાન થવાથી દેરાણી જેઠાણીની વાર્તા પ્રમાણે બાળકો પણ આગનો ભોગ બને છે તેમ પૌરાણિક વાર્તાઓમાં પૌરાણિક પરંપરા પ્રમાણે કહેવામાં આવ્યું છે. બાળકોની સુરક્ષા હેતુ સમગ્ર ભારતમાંથી શીતળામાના સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રસોઈ કર્યા બાદ ચૂલો ઠારવાની પરંપરા આજે 21મી સદીઓમાં પણ ચાલુ રહી છે.
રાંધણ છઠના દિવસે સાતમ માટે નિશ્ચિત ભોજન કેમ? : રાંધણ છઠના દિવસે સાતમના દિવસનું ભોજન બનાવવામાં આવે છે. જો કે રાંધણ છઠના દિવસે સાતમનો બનાવાતા ભોજનમાં ખાસ કરીને ઢેબરા,થેપલા, દમઆલુ, રાયતું, ફ્રૂટ સલાડ જેવી ચીજો બનાવવામાં આવતી હોય છે. જો કે સમગ્ર ચીજો બનાવવા પાછળનું કારણ એટલું રહેલું છે કે ઉપરોક્ત ભોજન બે દિવસ સુધી બગડતું નથી.
ઘરમાં દરેક સભ્યોને ભાવે તેવું ભોજન બનાવીએ છીએ. જેમ કે થેપલા,ભીંડાનું શાક, મગમઠ અને બહારથી મોહનથાળ લાવીને સાતમના દિવસે સૌ કોઈ સાથે મળીને આરોગીએ છીએ. જો કે સાતમના દિવસે સવારમાં સ્નાન કરીને ઘરની સ્ત્રી દ્વારા પ્રથમ શીતળા માની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારબાદ ભોજન લેવામાં આવે છે. તેમ જ આઠમની સવાર સુધી ચૂલો સળગાવવામાં આવતો નથી...હીરલબેન રાજપુરા (ગૃહિણી)
પરંપરાનું પાલન : રાંધણ છઠના દિવસે મોડી રાત પહેલા સાતમના દિવસનું ભોજન બનાવીને ચૂલો ઠારી દેવાની પરંપરા છે. રાત્રે શીતળામાં નીકળતા હોવાને પગલે આજે પણ હિન્દુ ધર્મમાં આ પરંપરા યથાવત રહી છે. બાળકોના આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ હેતુસર પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે.