- યાર્ડમાં રોજની 5 હજાર ગુણી મગફળીની આવક
- ચોમાસું પાક નિષ્ફળ ગયાના આક્ષેપો છતા માગફળીની આવકમાં વધારો
- ખેડૂતોને મળ્યા 1 હજાર રૂપિયાથી વધુ ભાવ
ભાવનગરઃ સરકાર ટેકાની ખરીદી શરૂ કરે તે પહેલાં ભાવનગર જિલ્લામાં સામાન્ય યાર્ડની હરાજીમાં મગફળીની આવક શરૂ થઇ છે, જેમાં રોજની 5 હજાર ગુણીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો માટે હરાજી અને ટેકાના ભાવ બંનેમાં ફાયદો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ચોમાસામાં પાક નિષ્ફળ ગયાના આક્ષેપો વચ્ચે યાર્ડમાં મોટી સંખ્યામાં મગફળી આવી રહી છે, ત્યારે ભાવનગર યાર્ડમાં હરાજીમાં આવતી મગફળીમાં સારા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતો ખુશ જાવા મળ્યા છે અને હજુ ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ બાકી છે.
આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધુ
ભાવનગર જિલ્લો આમ તો ડુંગળીનું પીઠું માનવામાં આવે છે પણ ભાવનગર યાર્ડમાં આ વર્ષે સારી એવી મગફળીનું ઉત્પાદન થયું છે. યાર્ડમાં રોજની 5 હજાર ગુણીથી વધુની આવક શરૂ થઈ છે. સામાન્ય થતી હરાજીમાં મગફળીની કિંમત ખેડૂતોને 850થી લઈને 1,245 સુધી મળી રહેતી હોવાથી ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે.
ટેકાના ભાવની ખરીદી આગામી દિવસોમાં શરૂ થશે
ભાવનગર યાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી બાકી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા હાલમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાયા બાદ આગામી દિવસોમાં ખરીદીનો પ્રારંભ કરશે. સરકાર ખેડૂતોને ટેકાના ભાવ 1055 આસપાસ આપવાની છે, ત્યારે ભાવનગરના ખેડૂતો માટે ખુશીની વાત છે.