ભાવનગર : ડુંગળી પકવતાં ખેડૂતોની આ વર્ષે દશા બેઠી એમ કહીએ તો ખોટું નથી. હા સારા ભાવ મેળવવાની આશામાં ઓછા પાણીમાં ડુંગળીનું મબલખ વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને સારો મોલ પણ ઊતર્યો છે. પરંતુ દેશમાં બીજા નમ્બરના ભાવનગર જિલ્લાના ખેડૂતોને ગરીબોની કસ્તુરી રડાવી રહી છે. આપઘાત કરવાનો વારો આવ્યો હોવાના શબ્દો ખેડૂત બોલી રહ્યો છે. જિલ્લામાં વાવેતર અને મહેનત બાદ યાર્ડની દશા અને ખેડૂતને ભાવ નહીં મળતા વ્યથિત છે.
સરકારી ચોપડે ડુંગળીનું વાવેતર જિલ્લામાં : ભાવનગર જિલ્લો દેશમાં ડુંગળી પકવવામાં દેશમાં બીજા ક્રમે છે. જિલ્લામાં 4.50 લાખ હેકટરમાંથી 4.20 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ત્યારે જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી પટેલે જણાવ્યું હતું કે રવિ પાક દરમિયાન ભાવનગર જિલ્લાના ખેડૂતો વધુ ડુંગળી પકવતા હોય છે. ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે 31,178 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જો કે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ગગડી ગયેલા ભાવને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઓછા વાવેતર વચ્ચે વધુ મબલખ પાક ભાવ તૂટવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
આમ બજાર ડાઉન : અરવિંદ ચૌહાણ ઇન્ચાર્જ સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ, ભાવનગર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 60 થી 175 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 240 થી 275 સરેરાશ ભાવ મળ્યા હતા. ગત વર્ષે આવકમાં ઉતારો ઓછો હતો. આ વર્ષે એક વિધે જ્યાં 35 થી 40 ગુણી ઉતારો હતો ત્યાં એક વિધે 200 ગુણી સુધી ઉતારો આવ્યો છે. બજારમાં સારી ડુંગળીના ભાવ મળે છે અને નિકાસ પણ ચાલુ છે. પણ જે 15 દિવસમાં બગડી જતી હોય ડુંગળી તેના 60થી 70 રૂપિયા ભાવ છે. આમ બજાર ડાઉન છે.
આ પણ વાંચો Bhavnagar news: ડુંગળીના ભાવ તળિયે જતા ભાજપના જ કિસાન મોરચાએ સીએમને લખ્યો પત્ર
યાર્ડમાં આવક ડુંગળીની અને યાર્ડ ઉભરાયા : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બરના પ્રારંભથી ડુંગળી આવવાની શરૂઆત થઈ જાય છે ત્યારે હાલમાં માર્ચ મહિના સુધી ડુંગળી આવતી હોય છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં રોજની 40,000 થી લઈને 80,000 સુધી ડુંગળીની રોજ હરરાજી થાય છે.પરંતુ રોજ ડુંગળી અંદાજે 70 હજારથી 1 લાખ ગુણી જેટલી આવતી હોવાને કારણે સબયાર્ડ ઊભું કરવાની ફરજ પડી છે.જો કે થોડા દિવસો પહેલા મહુવામાં એક રાતમાં પાંચ લાખ ગુણી અને ભાવનગરમાં એક રાતમાં ચાર લાખ ગુણી આવક થવાથી સબયાર્ડ અને માર્કેટિંગ યાર્ડ ભાવનગરના અને મહુવાના યાર્ડ ભરાઈ ગયા હતા.
મોદી સાહેબને પાપ લાગશે' ખેડૂતની રોષભરી વ્યથા છલકાઇ : ભરતસિંહ રાયજાદા ખેડૂત હરિપરા ગામ, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં ડુંગળી 15 વિઘામાં કરી છે અને સોપામણ 15 હજાર ખર્ચ કર્યો પછી DAP ખાતર,મજૂરી મળીને વિધે 30 હજારનો ખર્ચ થયો છે. હવે યાર માં વેચવા આવ્યા તો પંદર હજાર છ ગુણેલા માત્ર મળી રહ્યા છે આમાં અમારે શું ખાવું અને મજૂરને શું દેવું એવો અંદાજ નૉહતો કે સરકાર ભાવ હેઠો બેસાડી દેશે. ખેડૂતને લૂંગી ઓઢીને રોવાનો વારો આવ્યો છે. બીજું કાંઈ નથી અને કાંઈ મળે એમ નથી. ઘરના નાખવા પડે એમ છે. મોદી સાહેબને 56 સીટ જીતાવી એને કાંઈ પડી નથી. સીટીનું કરે છે ખેડૂતનું કોઈ કરતું નથી. અત્યારે ભગવાન પણ અમારો નથી. પાણી વગર શું કરે ખેડૂત. ખર્ચો 35 થી 40 હજાર એક વીઘા કર્યો 40 નથી આવતા અત્યારે. ખેડૂત આપઘાત કરશે તો પાપ લાગશે મોદી સાહેબને.
ભાવ અને ખેડૂતોએ કરેલો ખર્ચનું ગણિત નુકશાન કેવી રીતે : જો કે ભાવ ચાલુ વર્ષે 50 થી લઈને હાલમાં 148 સુધી એક ગુણીનો મળી રહ્યો છે. ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનાથી તૂટી જવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે. ખેડૂતોએ ડુંગળીના ઉત્પાદન માટે કરેલા ખર્ચના પણ પૈસા નહીં નીકળતા હોવાનું જણાવી રહ્યા છે. ખેડૂતભાઈઓનું કહેવું છે કે એક વીઘામાં 30 હજારનો ખર્ચ કર્યો હોય અને તેમાં પાકતી ડુંગળી યાર્ડમાં લઈને વેચવામાં આવે તો 15000 રૂપિયા માંડ મળી રહ્યા છે. આમ સીધી 50 ટકા નુકસાની કરેલા ખર્ચમાં ખેડૂતો ભોગવી રહ્યા છે. સરકારે આ પરિસ્થિતિમાં ખેડૂતોની સામે નજર કરવી જોઈએ અને રાહત આપવી જોઈએ. જો કે કેટલાક ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે આપઘાત કરવાનો સમય આવ્યો છે.હાલની સરકાર ખેડૂતો સામે નહીં પરંતુ મોટા મોટા શેઠિયાઓ સામે જોવે છે.
આ પણ વાંચો Bhagwant Mann: દિલ્હી અને પંજાબ સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી ખરીદશે ડુંગળી - ભગવંત માન
ખેડૂતોની માગણી : ટેમુભા ખેડૂત, માંડવા ગામ, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લામાં પિયતનું પાણી ઓછું હોવાને પગલે મોટા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું અને તેમાં ઉતારો વધુ આવ્યો એટલે મહુવા,તળાજા અને ભાવનગર યાર્ડ ઉભરાયા છે. ભાવ તળીયે છે અને કરેલા ખર્ચ પણ ખેડૂતને નીકળતો નથી. અમે કૃષિપ્રધાન, સહમંત્રી અને મુખ્યપ્રધાનને પત્ર લખીને બે માંગ કરી છે. એક રાજ્ય સરકાર અગાવના વર્ષ જેમ સહાય જાહેર કરે અને કેન્દ્ર એક્સપોર્ટ નીતિમાં રાહત આપે. ફેરફાર કરીને વિદેશ માલ મોકલે તો ખેડૂતોને બે પૈસા મળે. જોકે અમને આશા છે સરકાર ટૂંક સમયમાં રાહત પર સહાય માટે નિર્ણય થશે.
યાર્ડના વ્યાપારી અને કિસાન મોર્ચાની માંગ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવતી ડુંગળીમાં 100 એ 15 થી 20 ટકા ડુંગળી સારી ગુણવત્તાની આવે છે અને તેના ભાવ પણ 150 થી 175 સુધી એક ગણીએ મળી રહ્યા છે. જ્યારે નબળી ગુણવત્તાની ડુંગળીના ભાવ 50 થી લઈને 80 ની વચ્ચે મળી રહ્યા છે. યાર્ડના વ્યાપારીઓ લાંબો સમય સારી નહીં રહેનાર અને ઓછી ગુણવત્તાવાળી ડુંગળીની કિંમત આપી રહ્યા નથી. ત્યારે ખેડૂતોએ નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડના વ્યાપારી અને કિસાન મોરચાના પ્રમુખ રાજ્ય સરકાર પાસે લેખિત માંગ કરી ચૂક્યા છે. અગાઉના વર્ષોમાં આપેલી સહાય પુનઃ આપવામાં આવે અને કેન્દ્ર સરકાર એક્સપોર્ટ ડ્યુટીમાં રાહત કરે તો વિદેશ માલ જઈ શકે અને ખેડૂતોને બે પૈસા મળી શકે તેવી માંગ કરી છે.
ડુંગળીને કસ્તૂરી કહેવા પાછળનો અર્થ પણ જાણી લો : ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવા પાછળનો અર્થ પણ સમજવા જેવો છે. ભાવનગરના આયુર્વેદિક ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે વર્ષોથી ખોરાકમાં ડુંગળીને અમૃત માનવામાં આવે છે. આથી મજૂર ડુંગળી અને રોટલો આરોગતા જોવા મળે છે. ડુંગળીમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી એસ્ટામીનીક જેવા તત્વો આવે છે. વિશ્વ લેવલે હાલમાં પણ અનેક રિસર્ચ ચાલુ છે. ડુંગળીમાં અનેક તત્વો હોય છે જેને કારણે શરીરમાં કુલિંગ સિસ્ટમ ઊભી થાય છે. કાળઝાળ ગરમીમાં ડુંગળી શરીરમાં કુલિંગ સિસ્ટમ ઊભી કરે છે. જેથી લૂ લાગતી નથી કે ગરમી થતી નથી. કહેવાય છે કે રણમાં ખૂબ ગરમી હોય ત્યારે ડુંગળીનો રસ શરીર પર લગાડી દેવામાં આવે તો ચામડીને તકલીફ થતી નથી કે રોગ થતો નથી. આમ અનેક ગોલ્ડન ફાયદાઓ છે.