ભાવનગરઃ શહેરના કાળાનાળા વિસ્તારમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ જિલ્લામાં કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 103 પર પહોંચી છે, બીજી બાજુ 5 લોકો સ્વસ્થ થતાં તેમનો આંકડો 70 થયો છે. આ સાથે જ ભાવનગર ગ્રીન ઝોનમાં આવશે તેવી શહેરીજનોમાં આશા જાગી છે.
ભાવનગર શહેરમાં કોરોનાનો નવો કેસ આવતાની સાથે આંકડો 103 પર પહોંચી ગયો છે. કાળાનાળા જેવા વિસ્તારમાં આવેલા નવા કેસ અને નવા વિસ્તારને પગલે લોકોમાં થોડો ભય પણ જોવા મળી રહ્યો છે. કાળાનાળા વિસ્તારના શીલ્પીનગરમાં રહેતા 69 વર્ષીય જીતેન્દ્ર અભેસંગભા શાહનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ ભાવનગરની સર ટી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
કાળાનાળા વિસ્તારમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરનટાઈનન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ સારા સમાચાર એ છે કે ભાવનગર સર ટી હોસ્પિટલ દ્વારા હાલ વધુ 5 સ્વસ્થ થયેલા દર્ધીઓને ઘરે મોકલવામાં આવ્યાં છે. સાજા થયેલા દર્દીમાં કોન્સ્ટેબલ રણજીતસિંહ મચ્છર ચિત્રા શાંતિનગર વિસ્તારના રહેવાસી છે. તો પ્રથમ આનંદનગરના પોઝિટિવ દર્દી રહેલા અને હાલ સ્વસ્થ થયેલા કુમાર વોરા અને તેના સગામાં પણ ત્રણ લોકોએ કોરોનાને માત આપી છે.
હાલ પોઝિટિવ દર્દી માત્ર 25 રહ્યાં છે, જ્યારે કોરોનાને કારણે 8 લોકોના મોત થયાં છે. આમ, દર્દીઓ અને તબીબો કોરોનાને માત આપતા જઈ રહ્યા છે અને ભાવનગર ધીરે ધીરે કોરોનાની માયાજાળમાંથી નીકળી રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે.