- સ્વાદ એવો જે શિયાળામાં અચૂક ચુકાય નહીં
- અન્ન ભેગા એના મન ભેગા કરતી વાનગી
- ઓળા રોટલાનો સ્વાદ સાથે લેવાની પરંપરા
ભાવનગર : ગોહિલવાડોના કાઠિયાવાડમાં શિયાળો આવે અને ઓળો રોટલો ના હોય તેવું બને નહિ. ભાવેણાના દરેક ઘરમાં શિયાળામાં બે દિવસેને બે દિવસે ઓળો રોટલો બનતા હોય છે. ત્યારે ચાલો જાણીએ કેવું મહત્વ છે અને કેવો સ્વાદ લોકોને હૃદયમાં લાગેલો છે.
ઓળો રોટલાનું મહત્વ કેટલું અને કેવું
ભાવનગરની ધરતી સંતોની ભૂમિ અને ગોહિલવાડોની ધરા છે. ત્યારે ભાવનગરનું ભોજનનું સંભારણું પણ અદભુત છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ઓળો રોટલો શિયાળાનું એવું મેનુ છે જે દરેક ઘરમાં અચૂક હોઈ છે. ત્યારે હાલ શિયાળો અને કડકડતી ઠંડી ચાલી રહી છે અને ઓળો રોટલાના કાર્યક્રમો યોજાવાની શરૂઆત થઈ ગઈ છે. કુટુંબો અને સોસાયટીઓ તેમજ ફાર્મમાં ઓળા રોટલાના કાર્યક્રમો યોજાવા લાગ્યા છે.
ઓળો રોટલો એટલે શું ? કેમ બને છે ?
ઓળો રોટલો એટલે રીંગણને ભઠ્ઠામાં શેકવામાં આવે છે.બાદમાં તેનો છૂંદો કરી નાખવામાં આવે છે. ત્યારબાદ તેલ,મરચું અને લીલું લસણના સથવારે તેને બનાવવામાં આવે છે. રીંગણ સાથે મહત્વનો સાથી ઓળામાં લીલી ડુંગળી હોય છે. રીંગણનો છૂંદો અને લીલી ડુંગળીના સથવારે ઓળો બનાવવામાં આવે છે. બાદમાં બાજરાનો રોટલો મહત્વની ભૂમિકા ભજવે છે. રોટલો પણ સ્ત્રીઓ દ્વારા હાથેથી થપથપાવીને બનાવવામાં આવે છે. ખાસ કરીને દેશી ચૂલા પર બનાવવામાં આવે છે.
સોસાયટીઓમાં અને ફાર્મમાં થાય છે ઓળો રોટલાના કાર્યક્રમ
ભાવનગર શહેરમાં ઠેર ઠેર ઓળો રોટલોના કાર્યક્રમો યોજવામાં આવે છે. ભાવનગરની આ સોસાયટીમાં પણ ઓળો રોટલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોસાયટીના 10 જેટલા ઘરોના સભ્યો ઠંડીમાં એકઠા થયા અને સ્ત્રીઓએ શાક સમાર્યું તો પુરુષોએ રીંગણ શેકયા હતા. બાદમાં રીંગણનો ઓળો પણ પુરુષોએ બનાવ્યો હતો. ઓળો તૈયાર કરવામાં પુરુષોનો ફાળો વધુ હોય છે અને મહિલાઓએ મોટા ભાગે આરામ કરવાનો હોય છે.