ભાવનગરઃ નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો બન્યા વિદ્યાર્થી. નવી શિક્ષણ નીતિ અમલમાં આવતાની સાથે ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળામાં તાલીમ વર્ગો શરૂ થઈ ગયા છે, 4 દિવસના તાલીમ વર્ગ બાદ શિક્ષકોએ ઓનલાઇન પરીક્ષા આપી હતી. ગુજરાતમાં આ પ્રથમ પ્રયોગ ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કર્યો છે.
સમગ્ર ગુજરાતને રાહ ચીંધતી નવી શિક્ષણ નીતિનો પ્રયોગ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કર્યો છે. ઓનલાઇન પરીક્ષા લેવાનો કે શિક્ષક વિદ્યાર્થી બનીને શું નવી શિક્ષણ નીતિને સમજી શક્યા છે તેની એક પરીક્ષા ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 55 શાળાઓ માટે યોજી હતી.
આ શાળાઓમાં 680 જેટલા શિક્ષકો છે, ત્યારે કેન્દ્ર સરકારની નવી જાહેર થયેલી શિક્ષણ સમિતિની તાલીમ પણ શરૂ કરવામાં આવી છે. તાલીમના 4 દિવસ પૂર્ણ થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીએ ઓનલાઇન પરીક્ષાનો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓનલાઇન પરીક્ષામાં શિક્ષકોને નવી શિક્ષણ નીતિમાં ભણાવવામાં આવેલા મુદ્દાને અનુરૂપ સવાલો પૂછવામાં આવ્યા હતા. વિકલ્પો સાથે દરેક શાળામાં શિક્ષકોએ આજે વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હતી.
શિક્ષકોને હવે આંગણવાડીમાં પણ પોતાનું યોગદાન આપવાનું રહેશે. આ માટે વિદ્યાર્થી સાથેના વ્યવહાર અને આંગણવાડીના બાળકો સાથેના વર્તન સહિત શિક્ષણ આપવાની પદ્ધતિ પર નવી નીતિમાં જણાવવામાં આવ્યું છે. જેથી શિક્ષકો માટે 30 માર્કની ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોમાં કોઇને 10 તો કોઈને 20 તો કોઈને 25 જેવા માર્કસ પણ આપવામાં આવ્યા હતા. એટલે કે, વિદ્યાર્થી બનેલા શિક્ષકોની ગ્રહણ શક્તિનું માપન પણ થયું હતું.
આમ નવી શિક્ષણ નીતિનો પહેલો પ્રયોગ શિક્ષણ આપનારા શિક્ષકો પર કરવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં સફળ રહે. આથી હાલ શિક્ષકને વિદ્યાર્થી બનાવીને શિક્ષણ તંત્રએ શુભ શરૂઆત કરી છે.