ભાવનગર: રાજ્યમાં આ વર્ષે 100 ટકા વરસાદ થયો છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના તોતણાયાળા ગામે નદીના પ્રવાહને પાર કરવા જતા તણાઇ જવાથી 30 વર્ષીય માતા અને 8 વર્ષીય તેના પુત્રનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ગામલોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. NDRFની ટીમ તેમજ જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4-5 દિવસથી મુશળધાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે એક ગામથી બીજા ગામ જતા રસ્તાઓ બંધ થઇ જતા લોકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામે એક ગામથી બીજે ગામ જવા માતા-પુત્ર નદીના પ્રવાહમાં તણાયાના સમાચાર સ્થાનિક ગામ લોકોને થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા માતા-પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે 30 વર્ષીય દક્ષા ભાવેશ બાવળિયા અને તેમનો ૮ વર્ષીય પુત્ર વીર બાવળિયા તોતણીયાળા ગામની નદી પાર કરી રહ્યાં હતા, જે દરમિયાન નદીના પાણીના પ્રવાહમાં માતા-પુત્રના પગ લપસી જતા પાણીના વહેણમાં તણાતા તેમનું મોત થયું હતું. સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા માતા-પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવતા પુત્રનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે માતાની શોધખોળ માટે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. માતા-પુત્રના નદીના વહેણમાં તણાતા મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.