- લાખો રૂપિયાના ફાયરના સાધનો નખાયા
- હોસ્પિટલે NOC માટે અરજી કરતા મોકડ્રિલ યોજાઈ
- સર ટી હોસ્પિટલમાં મોકડ્રિલમાં ખુલી પોલ
ભાવનગર : શહેરની સર ટી હોસ્પિટલ ભાવનગર સહિત અન્ય ચાર જિલ્લા માટે આશીર્વાદરૂપ છે. ત્યારે હોસ્પિટલમાં નખાયેલા ફાયરના સાધનો કામ કરે છે કે, નહીં તેના માટે મોકડ્રિલ રખાઈ હતી. ત્યારે ફાયર વિભાગે ખાનગી હોસ્પિટલ સામે જે કાર્યવાહી થઈ તેવી કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી દીધી છે.
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં હજારો લોકો સારવાર માટે આવે છે. ત્યારે સૌથી મોટી હોસ્પિટલ હોવાથી લાખો રૂપિયાના નાખવામાં આવેલા સાધનોને પગલે મોકડ્રિલ રાખવામાં આવી હતી. સર ટી હોસ્પિટલે NOC માટે અરજી કરી હોવાથી મોકડ્રિલ યોજાઈ હતી. ભાવનગરમાં એક તરફ ફાયર વિભાગ ઘડાઘડ સિલની કાર્યવાહીઓ શાળાઓ અને હવે ખાનગી હોસ્પિટલ સામે કરી રહ્યું છે.
મોકડ્રિલમાં શુ આવ્યું સામે?
ફાયર વિભાગ દ્વારા સર ટી હોસ્પિટલમાં પહેલા માળે આંખ વિભાગ પાસે મોકડ્રિલ રાખવામાં આવી હતી. જેમાં આગ તો લગાડાઈ અને ધુમાડાઓ પણ કરવામાં આવ્યા પણ ફાયરના સાધન નખાયેલા હોવા છતાં ઓટોમેટિક કામ કર્યું નહિ. એટલે સ્પ્રિંગલર જે નાખવામાં આવ્યા તે આગ લાગે ત્યારે અચાનક શરૂ થઇ જાય તે થયા નહિ અને સાયરન પણ નહીં વાગતા નોંધ લઈને હોસ્પિટલને ફરી NOC લેવા અને ક્ષતિ દૂર કરી અરજી કરવા જણાવ્યું હતું.
ફાયર વિભાગનું હોસ્પિટલ સામે કેવું રહેશે વલણ
ભાવનગર ફાયર વિભાગે હવે સર ટી હોસ્પિટલની મોકડ્રિલ બાદ આપેલી મુદ્દતમાં સાધનો પૂરતા નહીં હોય તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. તેમજ ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે થતી દરેક કાર્યવાહી કરવામાં આવશે.