ભાવનગર : ભાવનગરમાં ઘાયલ પક્ષીઓને મોતના મુખમાંથી બચાવવા માટે તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાવનગર વનવિભાગ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પક્ષીઓને ભાવનગરમાં ઘાયલ પક્ષીઓને રીસીવ કરવા માટે સેન્ટરો પણ બનાવવામાં આવ્યા છે.
સારવાર માટે વ્યવસ્થાઓ : ભાવનગર શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પતંગ રસિયાઓ ઉતરાયણના દિવસે ધાબા ઉપર પતંગ દોરીથી મજા લૂંટે છે. પરંતુ મનુષ્યની મજા પક્ષીઓ માટે સજા સમાન બની જાય છે. ભાવનગરમાં પક્ષીઓની સંખ્યા ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત થવાની 100 ઉપર રહી છે. જ્યારે મૃત્યુનો આંક પણ મોટો રહ્યો છે. ત્યારે 2024ની ઉતરાયણમાં પક્ષીઓ ઘાયલ થાય ત્યારે સારવાર માટે વ્યવસ્થાઓ આદરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા શું કરવામાં આવી તૈયારી : ભાવનગર શહેરમાં પક્ષીઓ ઘાયલ થાય તો તુરંત સારવાર મળી રહે માટે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. વનવિભાગના RFO ડી આર સરવૈયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં વન વિભાગ દ્વારા ઉતરાયણના પગલે 8 જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે જે પૈકી 6 સેન્ટરો ઉપર રિસીવ સેન્ટર તરીકે કામગીરી થનાર છે. જ્યારે બે સેન્ટર ઉપર સારવાર હાથ ધરવામાં આવશે. મુખ્ય સેન્ટર વિક્ટોરિયા પાર્કમાં પાણીની ટાંકી પાસે રહેવાનું છે. ઉતરાયણ પહેલા ઘાયલ પક્ષીઓ આવી રહ્યા છે. ડોકટરોની ટીમ નક્કી કરવામાં આવી છે. દરેક તબીબો દ્વારા પક્ષીઓના બચાવ માટે સવાર સાંજ તહેનાત રહેવાના છે.
કેટલી સંસ્થાઓ મેદાનમાં : ભાવનગર શહેરમાં ઉતરાયણ પહેલા અને ઉતરાયણ બાદ ઇજાગ્રસ્ત પક્ષીઓ સારવારમાં આવતા હોય છે. ભાવનગરના વન વિભાગના RFO ડી આર સરવૈયાએ જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષીઓ ઇજાગ્રસ્ત આવતા હોય છે ત્યારે ગત વર્ષે 189 જેટલા પક્ષીઓ આવ્યા હતા. જેમાં 80 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા. જો કે આ વર્ષે પાંચ જેટલી સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી છે અને 74 જેટલા કામ કરવાના છે લોકોને અપીલ છે કે પક્ષીઓને ઈજા થાય નહીં તે રીતે પર્વની ઉજવણી કરવામાં આવે. ઉતરાયણમાં લોકોને પણ ગળામાં પતંગની દોરી આવે નહીં માટે સાવચેત રહેવા જણાવ્યું છે. ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી લોકો પોહચાડે તેવી અપીલ પણ કરાઈ છે.