ભાવનગરઃ શહેર અને જિલ્લામાં આવેલા અચાનક વાતાવરણના પલ્ટાને પગલે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘર મહેર થઇ હતી. બફારાના વધેલા પ્રમાણને પગલે છેલ્લા બે દિવસથી શહેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.
જિલ્લાના તળાજામાં શનિવારે આવેલા વરસાદ અને વીજળીના કડાકા વચ્ચે ખેતરમાં ઉભેલા એક માત્ર વૃક્ષ પર રાત્રે વીજળી પડી હતી. વૃક્ષના ઉપરના ભાગથી લઈને નીચેના ભાગ સુધી વૃક્ષની છાલ વીજળીની તાકાતે કાઢી નાખી હતી. ભાવનગર જિલ્લામાં બે દિવસથી રાત્રે વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે.
તળાજામાં મોટાઘાણા ગામે રહેતા કનુભાઈના ખેતરમાં ગત રાત્રે પડેલી વીજળીથી લીમડાના વૃક્ષની હાલત સ્પષ્ટ દેખાય છે. ચોમાસાના અંતમાં ગાજવીજ સાથે વરસતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. કારણ કે હવે સિઝનના વરસાદ કરતા વરસાદ વધુ વરસી રહ્યો છે અને વીજળી સાથે આવતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પશુ અને માનવજાતિને હાનિ પહોંચાડ્યાના બનાવો ઉદાહરણ રૂપે છે. ત્યારે આ વૃક્ષ પરની હાલત ખેતરમાં રહેતા ખેડૂતોને જરૂર ડરાવે છે.ઉલ્લેખનીય છે કે, ભાવનગરના દરિયા કાંઠામાં જોઈએ તો તળાજા અને મહુવા પંથકમાં ગઈકાલે શનિવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ તો તળાજામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તળાજામાં વર્ષના વરસાદ કરતા 150mm વરસાદ વધુ નોંધાઇ ચૂક્યો છે પણ ગઈકાલના વીજળીના કડાકા વચ્ચે નોંધાયેલા વરસાદથી ખેડૂતમાં ચિંતા પાકને લઈને વધી ગઈ છે.