ભાવનગર : વર્ષ 2003 માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નાના પાયાની ઇવેન્ટ હતી, જેને આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત જિલ્લા કક્ષાએ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગરમાં 13 અને 14 ઓક્ટોબરના રોજ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ભાવનગર સમિટ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઈ રહી છે. જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી પ્રધાન ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ : વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય-અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલાં વાવેલું વાઈબ્રન્ટ સમિટનું બીજ આજે એક વટવૃક્ષ બનીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યું છે. દુનિયા સમક્ષ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે, વાઈબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે. આ સમિટ દ્વારા દેશ વિદેશમાં પહોંચેલા ગુજરાતના ઉદ્યોગો અને ઔદ્યોગિક ઉત્પાદનો જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત ઉકિતને સુપેરે સાર્થક કરે છે.
1660 કરોડના MOU : વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત કુલ અંદાજે 1660 કરોડના 175 MOU કરવામાં આવ્યા હતા. જેમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગના 93 કરોડ, કેમીકલના 48 કરોડ, એન્જિનિયરિંગ 65 કરોડ, હેલ્થ કેર 17 કરોડ, મિનરલ બેઝડ 9 કરોડ, અન્ય 31 કરોડ, સ્ટીલ કાસ્ટ લી. 256 કરોડ, હેરાલ્ડ ગ્રુપ 75 કરોડ, પટેલ કન્ટેનર 49 કરોડ તેમજ ભાવનગર મ્યુનિસિપાલિટીમાં કન્સ્ટ્રકશનના 1014 કરોડના MOU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે 1660 કરોડના 175 MOU થતા આગામી સમયમાં અંદાજે 22 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ભાવનગર જિલ્લો આજે હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, શીપ બ્રેકિંગ, રોલિંગ મિલ, મીઠાં ઉદ્યોગ માટે જાણીતો છે. આજે દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં 60 % થી વધુ હિસ્સો ગુજરાત રાજ્યનો છે, જેમાં ભાવનગર અગ્રેસર છે. -- ભાનુબેન બાબરીયા (સામાજિક ન્યાય-અધિકારીતા પ્રધાન)
વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત : વિકટ પરિસ્થિતિમાં થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત અંગે વાત કરતા ભાનુબેને જણાવ્યું હતું કે, ભૂકંપ અને દુષ્કાળ સહિત અનેક સામાજિક સમસ્યાઓને કારણે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ કપરી બની હતી. આવી વિકટ પરિસ્થિતિઓ અને પડકારોમાંથી રાજ્યને બહાર લાવવાના દ્રઢ નિશ્ચય સાથે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. પહેલી સમિટ જૂજ લોકોથી શરૂ થયેલી, જે આજે રાજ્ય સરકારના આયોજન અને પ્રયત્નો થકી રાજ્યના દરેક જિલ્લા સુધી પ્રસરી છે.
સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વિશે વધુમાં વાત કરતાં જણાવ્યું કે, વાઈબ્રન્ટ શબ્દનો અર્થ જીવંત એવો થાય છે. વાઈબ્રન્ટ સમિટ આજે અર્થતંત્રને જીવંત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશીપણા થકી શરૂ થયેલી આ સમિટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. વાઈબ્રન્ટ ડીસ્ટ્રીકટ કાર્યક્રમનો ઉદ્દેશ જિલ્લાના નાના-મોટા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્વ-સહાય જૂથ વગેરેને એક હકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડીને રાજ્યના આર્થિક વિકાસની મુખ્યધારામાં સામેલ કરવાનો છે.
વાઈબ્રન્ટ ભાવનગર થકી સ્થાનિક ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. આ કાર્યક્રમમાં નાના ઉદ્યોગોથી માંડીને મોટી ઇન્ડસ્ટ્રી પણ જોડાઈ છે, જે આ કાર્યક્રમની યથાર્થતા દર્શાવે છે. આ કાર્યક્રમનો ભાવનગરવાસીઓ બહોળી સંખ્યામાં લાભ લેશે. -- આર.કે. મહેતા (ભાવનગર જિલ્લા કલેક્ટર)
વાઈબ્રન્ટ ડીસ્ટ્રીકટ કાર્યક્રમ : ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ સમજદારી, જવાબદારી અને ભાગીદારી થકી સાર્થક બને છે, જે આપણા વડાપ્રધાને સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. વડાપ્રધાન મોદીએ 20 વર્ષ પહેલાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આ સમિયનો દિશાસૂચક આયોજન થકી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં કાર્ય કરતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જવાબદારીપૂર્વક આ ઉપક્રમને આગળ ધપાવ્યો છે. આજે રાજ્યના દરેક જિલ્લામાં રોજગારી સર્જન કરવાના સંકલ્પ સાથે વાઈબ્રન્ટ ડીસ્ટ્રીકટ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ઉદ્યોગોનું શહેર ભાવનગર : ભાવનગર જિલ્લાના આર્થિક વિકાસ અને વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ વિશે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે અનેક વિકાસ પ્રકલ્પો પ્રજા માટે સાર્થક બનાવી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનારી આ સમિટમાં અનેક વિષયો આધારીત સેમિનાર યોજાશે તથા એક્ઝિબિશનમાં જિલ્લાના અનેક ઉદ્યોગો વિશે લોકોને જાણવાનો મોકો મળશે. ભાવનગર જિલ્લો આજે હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, ડીહાઈડ્રેશન પ્રોડક્ટ્સ, શીપ બ્રેકિંગ, રોલિંગ મિલ, મીઠાંના ઉદ્યોગ માટે જાણીતો છે. આજે દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં 60 % થી વધુ હિસ્સો ગુજરાત રાજ્યનો છે, જેમાં ભાવનગર અગ્રેસર છે.