ભાવનગરઃ શહેરમાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે. તેમાંનું એક મંદિર છે 166 વર્ષ જૂનું થાપનાથ મહાદેવનું મંદિર. શહેરના બોરતળાવની પાળીએ બિરાજમાન છે. અહીંના મહારાજાને સ્વપ્નમાં આવ્યા બાદ થયેલી સ્થાપના બાદ વર્ષોથી થાપનાથ મહાદેવ ભાવેણાવાસીઓની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. ભાવનગરમાં અનેક શિવાલયો પૌરાણિક છે, જે પૈકી આ પણ પૌરાણિક શિવાલય છે. માન્યતા પ્રમાણે, કેટલાક કિસ્સાઓમાં લોકોને મનોવાંછિત ફળો પ્રાપ્ત થયેલા છે. જાણો થાપનાથ મહાદેવ વિશે.
આ પણ વાંચોઃ Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર
મહારાજને સ્વપ્નમાં આવ્યા હતા મહાદેવઃ શહેરના આંગણે આવેલું ગૌરીશંકર તળાવ એટલે બોરતળાવ. બોરતળાવની પાળીએ ખૂણા ઉપર બિરાજમાન થાપનાથ મહાદેવની અદભૂત લોકવાયકા છે. વર્ષો પહેલાં મહારાજાને સ્વપ્નમાં આવેલા થાપનાથ મહાદેવ 166 વર્ષ કરતા પણ પૌરાણિક છે. થાપનાથ મહાદેવની સ્થાપના મહારાજા ભાવસિંહજીએ કરી હતી. થાપનાથ મહાદેવના કેટલાક કિસ્સાઓ પણ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે.
![મંદિરમાં ભક્તોની અનેરી આસ્થા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18036593_bvn_c.jpg)
આ રીતે પહોંચી શકશો થાપનાથ મહાદેવઃ શહેરના પ્રવેશદ્વાર નારી ચોકડીથી પ્રવેશ કર્યા બાદ 3 કિમીના અંતરે આવતું બોરતળાવ પોઈન્ટ આવે છે. ત્યાંથી ડાબી તરફ રસ્તા પર જવાથી સીધું બોરતળાવ સુધી પહોંચાય છે. બોરતળાવનું સાચું નામ ગૌરીશંકર તળાવ છે. રજવાડાના સમયના દિવાન ગૌરીશંકર ઓઝાના નામ પરથી મહારાજાએ તળાવનું નામ આપ્યું હતું. આ તળાવની પાળી ઉપર બિરાજમાન થાપનાથ મહાદેવની સ્થાપના 2023થી જોઈએ તો, 166 વર્ષ પહેલા થઈ હતી. જોકે, અહીંયા સ્થાનિક લોકો વારતહેવાર પર દર્શને આવતા હોય છે. જ્યારે આસપાસના લોકો આવનારા મહાદેવની રોજ પૂજા અર્ચના કરવા ભાવભર પહોંચે છે.
![મહારાજને સ્વપ્નમાં આવ્યા હતા મહાદેવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18036593_bvn_a.jpg)
મંદિરની સ્થાપના અંગે પૂજારીએ વર્ણવી કથાઃ થાપનાથ મહાદેવની સ્થાપના વિશે પૂજારી હરેશગિરિએ જણાવ્યું હતું કે, વર્ષ 1857માં મહારાજા ભાવસિંહજી પહેલાં દ્વારા શહેરની સ્થાપના સાથે થાપનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ બોરતળાવનું નિર્માણ થયું હતું. સવાર સાંજ પૂજા કરવા આસપાસના ભક્તો આવે છે. શ્રાવણ મહિનાના સોમવારે અને આઠમના દિવસે અહીં મેળો ભરાય છે. થાપનાથ મહાદેવની આજુબાજુમાં બગીચો અને તળાવ પર મહાનગરપાલિકાએ ફરવા લાયક સુવિધાઓ ઊભી કરીને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યું છે.
સ્થાપના અને ગાય, સ્વપ્ન અને મહારાજાની આસ્થાઃ શહેરના રજવાડાના મહારાજાઓ અને રાજવી પરિવારો પ્રજાવત્સલ અને ધાર્મિક હતા. થાપનાથ મહાદેવની લોકવાયકા પ્રમાણે, પૂજારી તરફથી જાણવા મળ્યું હતું કે, વર્ષો પહેલા તળાવના કાંઠે શિવલિંગ હતું. તેની ઉપર રોજ ગાય આવીને સ્વયંભૂ દૂધની ધારા કરતી હતી. આથી થાપનાથ મહાદેવ મહારાજાને સ્વપ્નમાં આવ્યા અને મહારાજાએ બાદમાં સ્વપ્ન પ્રમાણે તળાવ કાંઠે દ્રશ્ય જોયા બાદ ભગવાન થાપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. આ લોકવાયકાને પગલે આજે પણ થાપનાથ મહાદેવને દૂધ અર્પણ કરવાનું અનેરું મહત્વ માનવામાં આવે છે. મહારાજા તખ્તસિંહજીએ બાદમાં ચાંદીના બારણાં પણ લગાવ્યા હતા.
આ પણ વાંચોઃ Takhteshwar Temple: તખ્તેશ્વર મહાદેવનું એવું મંદિર જ્યાં દર્શન કરતાંની સાથે જ થાય છે 5 લાભ
ભગવાનને રિઝવવા કેવી માન્યતાઓ અને પરચાઃ થાપનાથ મહાદેવની આસ્થા વિશે વાત કરીએ તો, પૂજારી હરેશગિરિએ ઔપચારિક રીતે જણાવ્યું હતું કે, થાપનાથ મહાદેવને અર્પણ ફળ પૂજારી દ્વારા કોઈ પણ ફળ સંતાન ઈચ્છતી સ્ત્રીને આપે તો તેને સંતાન પ્રાપ્તિ થયાના કિસ્સાઓ છે. આ સાથે ભોળાનાથની માનતા એવી રાખવામાં આવે કે, રોજ બિલીપત્ર, જળ અને દૂધ ચડાવશે તો તેની માનતા ભગવાન પૂર્ણ કરે છે. પછી એ માનતા નોકરી, વ્યવસાય કે કોઈ પણ પ્રકારની કેમ ન હોય. થાપનાથ મહાદેવને આમ થાપનાથ મહાદેવને રોજ ભજતા ભક્તો શિવને રોજ રીજવવા પહોંચે છે.