ભાવનગર : કોઈ પણ ખેલાડી માટે "કરાંચી ચણા" પૌષ્ટિક આહાર સમાન છે. વ્યાયામ મંડળમાં બાબા સ્વામી પૃથ્વીસિંહ આઝાદ દ્વારા આ ચણા ખાસ આપવામાં આવતા હતા. વર્ષો જૂની આ વાનગીનો સ્વાદ આજના આધુનિક સમયમાં જોવા મળતો નથી. કોઈપણ રમત સાથે સંકળાયેલ ખેલાડીઓએ કરાંચી ચણા વિશે જાણકારી જરૂર મેળવવી જોઈએ. તમે પણ કરાંચી ચણાની વાનગી આપના ઘરે બનાવી શકો છો. જુઓ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ કરાંચી ચણાની રેસીપી.
કરાંચી ચણાની ખાસિયત : કરાંચી ચણાની રેસીપી જોતા પહેલા કરાંચી ચણાની ખાસિયત જાણવી જરૂરી છે. કરાંચી ચણાને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. આથી મુખ્યત્વે ક્રિકેટ,ફુટબોલ અને હોકી જેવી રમતોના ખેલાડીઓ માટે કરાંચી ચણા ખૂબ જ લાભદાયી છે. ચણા ખેલાડીઓને શારીરિક તાકાત પ્રદાન કરે છે. ઉપરાંત કરાંચી ચણા પહેલા વ્યાયામ મંડળોમાં પણ આપવામાં આવતા હતા.
ભાવનગરના મહારાણીએ સ્વાદ માણ્યો : હેરિટેજ રેસીપી સ્પર્ધા ચણા તાકાત માટેનું ઉત્તમ આહાર છે. તેમ છતાં આધુનિક સમયમાં કરાંચી ચણા વિસરાઈ રહ્યા છે. ધીરે-ધીરે આહાર અને બજાર બંનેમાંથી ચણા ગાયબ થઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં યોજાયેલા હેરિટેજ રેસીપી સ્પર્ધામાં કરાંચી ચણા જોવા મળ્યા હતા. ETV BHARAT એ કરાંચી ચણા બનાવનાર છાયાબેન ભટ્ટ સાથે ખાસ વાતચીતમાં કરાંચી ચણાની રેસીપી અને મહત્વ વિશે માહિતી મેળવી હતી. હેરિટેજ રેસીપી સ્પર્ધામાં ઉપસ્થિત રહેલા ભાવનગરના મહારાણીએ પણ આ વાનગીનો સ્વાદ માણ્યો હતો.
કરાંચી ચણાની આ વાનગી 100 વર્ષ કરતા પણ જૂની છે. હું ફિઝિકલ ટીચર છું. કરાંચી ચણા ખૂબ જ પૌષ્ટિક આહાર છે. અમે વ્યાયામ મંડળમાં જતા હતા ત્યારે બાબા સ્વામી પૃથ્વીસિંહ આઝાદ વિસર્જન સમયે કરાંચી ચણા આપતા હતા. આમ વર્ષોથી આ કરાંચી ચણા વાનગી ચાલતી આવે છે. કરાંચી ચણા પાઉં અથવા ઘઉં,બાજરીના પરોઠા સાથે આરોગી શકાય છે. - છાયાબેન ભટ્ટ (ગૃહિણી,ભાવનગર)
કરાંચી ચણા બનાવવા માટેની સામગ્રી : તેલ, રાઈ, જીરું, હિંગ, આદુ, મરચાની પેસ્ટ, લસણ, ડુંગળી, ગાંઠિયા, બાફેલા ચણા, લીંબુ, કોથમરી.
કરાંચી ચણા બનાવવાની રીત : સૌ પ્રથમ ગેસ ઉપર વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ અને હિંગ ઉમેરો. બાદમાં હળદર, લસણ ઉમેરો અને ત્યારબાદ સમારેલી ડુંગળી સાંતળવી. ડુંગળીનો કલર બદલાય એટલે બાફેલા ચણા ઉમેરવા ત્યારબાદ પ્રમાણસર પાણી ઉમેરવું. પાણી ઉકળે એટલે ગાંઠિયાનો ભૂકો નાખી લાલ મરચું, આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરો. પાંચથી દસ મિનિટ ગરમ થવા દેવું ત્યારબાદ કોથમીર ઉમેરવી. કરાંચી ચણાને ગરમા ગરમ સર્વ કરવા.