ભાવનગર : આરોગ્યની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લાની પરિસ્થિતિ વિકટ જોવા મળી રહી છે. જિલ્લા અને વિવિધ તાલુકામાં આવેલી હોસ્પિટલોની હાલત કફોડી છે. તબીબોની અછતને પગલે લોકો સારવારથી વંચિત રહ્યા છે. એક તાલુકામાં તો છેલ્લા બે ત્રણ વર્ષથી તબીબના ઠેકાણા નથી. ત્યારે સ્થાનિકોએ ભાવનગર જિલ્લામાં નહીં પરંતુ ગાંધીનગર બ્લોક નંબર પાંચમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીથી દર્દીઓની હાલત જુઓ ETV BHARAT ના આ અહેવાલમાં...
આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર વલ્લભીપુર શહેરમાં આવેલું છે. જોકે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત છે. એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ તબીબ હોવા જોઈએ, પરંતુ ત્રણમાંથી એક પણ તબીબના ઠેકાણા નથી. તેની પાછળનું કારણ છે જે બાદમાં અધિકારી પાસેથી આપણે સમજીશું.
અહીંયા ડોક્ટર 10 અથવા 11 કલાક ગમે ત્યારે પધારે છે. ત્યારબાદ 1 કલાક બપોરે જતા રહે છે. તંત્ર નહીં સુધરે તો આગામી દિવસોમાં આરોગ્ય કમિશનરની કચેરી બહાર હવે આંદોલન કરવામાં આવશે. -- મનુભાઈ સાગઠિયા (સ્થાનિક)
તબીબો ગાયબ : હાલમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોને લઈને મનુભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, કેટલાય સમયથી ડોક્ટર સમયસર આવતા નથી. બાળકના ડોક્ટર હોય તો તેનો સમય 9 થી 6 નો હોય છે. પરંતુ અહીંયા ડોક્ટર 10 અથવા 11 કલાક ગમે ત્યારે પધારે છે. ત્યારબાદ 1 કલાક બપોરે જતા રહે છે. જો આગામી દિવસોમાં તંત્ર નહીં સુધરે તો જિલ્લામાં ક્યાંય નહીં પણ ગાંધીનગર બ્લોક નંબર 5 માં આરોગ્ય કમિશનરની કચેરી બહાર હવે આંદોલન કરવામાં આવશે.
જેસર અને વલ્લભીપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સંખ્યા ઓછી હોવાથી PHC સેન્ટરમાંથી ડોક્ટરોને ત્યાં મોકલવામાં આવે છે. -- ચંદ્રમણીકુમાર (આરોગ્ય અધિકારી,ભાવનગર જિલ્લા પંચાયત)
દર્દીઓને ધરમધક્કા : ETV BHARAT દ્વારા વલ્લભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે સારવારમાં આવેલા મેહુલભાઈ સોલંકી નામના દર્દીએ જણાવ્યું હતું કે, સારવાર માટે હોસ્પિટલ આવ્યો ત્યારે મને રિપોર્ટ કરવાનું કહ્યું હતું. રિપોર્ટની વ્યવસ્થા હોસ્પિટલમાં નહીં હોવાથી હું બહાર રિપોર્ટ કરાવીને આવ્યો હતો. પરંતુ રિપોર્ટ કરાવીને આવ્યા બાદ મને આમાં આમ છે અને તેમ છે કહીને પરત મોકલી દીધો હતો. એ જ રિપોર્ટ બે દિવસ પછી ફરી લઈને આવતા ઇન્ફેક્શન હોવાનું કહીને દાખલ કરી દીધો. અહીંયા બાટલો ચડી રહ્યો છે, એ પૂરો થઈ જાય તો પણ કોઈ હોતું નથી. અત્યારે અહીંયા કોઈ છે જ નહીં અને આજ બપોર બાદ અહિયાં તમને કોઈ જોવા મળશે નહીં.
આરોગ્ય વિભાગનો ખુલાસો : ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના 48 જેટલા પીએસસી સેન્ટર અને 18 જેટલા સીએચસી કેન્દ્ર આવેલા છે. ત્યારે અહીંયા તબીબોની સમસ્યાને લઈને આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમારે જણાવ્યું હતું કે, ક્લાસ 2 અધિકારીની જગ્યા 64 છે. જેમાંથી 55 ભરેલી છે 9 જેટલી ખાલી છે. જેસર અને વલ્લભીપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત છે.
એક સાંધોને તેર તૂટે : આરોગ્ય અધિકારી વધુમાં જણાવ્યું હતું કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સંખ્યા ઓછી હોવાથી PHC સેન્ટરમાંથી ડોક્ટરોને ત્યાં મોકલવામાં આવે છે. પીએચસી અને સીએચસી સેન્ટરમાં MBBS તબીબ નિમવામાં આવેલા છે. જે જીપીએસસી પાસ, એડહોક અને બોન્ડેડ પર હાજર થાય છે. વલ્લભીપુરમાં મેડિકલ ઓફિસરની બે જગ્યા છે. જેમાં એક પીજીમાં ગયા છે અને એક હાજર છે. જ્યારે એકનું બોન્ડ પૂરું થતા જગ્યા ખાલી હોવાથી PHC સેન્ટરમાંથી તબીબને ત્યાં મોકલવામાં આવે છે.