ભાવનગર : હીરાના પારખુ રત્નકલાકાર પિતાની દીકરી હસ્તી જાસોલિયાએ આજે બહાર પાડવામાં આવેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં નોંધપાત્ર સફળતા મેળવતાં 99.86 પર્સેન્ટાઈલ હાંસલ કર્યાં છે. ગુજરાતના સામાન્ય પ્રવાહના આવેલા પરિણામને લઈને ભાવનગર જિલ્લાનું પરિણામ 81.13 ટકા આવ્યું છે ત્યારે ભાવનગરની સરદારનગર ગુરુકુળની રત્ન કલાકારની દીકરીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દાદાના માર્ગદર્શન નીચે અને શિક્ષકોની મહેનતને પગલે સારું પરિણામ મેળવવામાં હસ્તી સફળ રહી છે. આગામી દિવસોમાં તે આઈ ટી સેક્ટરમાં જવાની વિચારણા કરી રહી છે.
મારે 99.86 પર્સન્ટાઈલ અને 92 ટકા છે. ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો. શાંત વાતાવરણમાં તૈયારી કરતી હતી અને શાળામાંથી આપેલા અભ્યાસક્રમને અનુસરીને વાંચવાનું નક્કી કર્યું હતું. જો કે મારે ટ્યુશન નહોતું. શાળાના શિક્ષકોના કારણે મને સફળતા મળી છે. શાળાના શિક્ષકો અને ઘરના વડીલોનો આભાર માનું છું. મને આગળ ગવર્મેન્ટ સેક્ટરમાં જવાની ઈચ્છા છે. આઈટીનો ક્રેઝ જોઈને BCA,MCA સેક્ટરમાં આઇટીમાં આગળ વધવું છે... હસ્તી જાસોલિયા(વિદ્યાર્થિની)
ટ્યુશન ક્લાસ ન હતાં : હસ્તી જાસોલિયાને કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ ન હતાં. માત્ર શાળામાંથી શિક્ષકો દ્વારા કરવામાં આવતી તૈયારીને પગલે હસ્તી ફ્રી સમયમાં અભ્યાસ કરતી હતી. હસ્તીના પિતા એક રત્નકલાકાર છે અને તેના ઘરમાં તેના દાદાનો ખૂબ જ તેને સહયોગ હોવાને કારણે હસતી ટકા મેળવવામાં સફળ રહી છે. હસ્તીથી નાની એક બહેન અને એક ભાઈ પણ છે. જે પણ બંને ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ખાસ કરીને ઘરમાં દાદાનો સારો એવો સહયોગ હોવાથી તે ફક્ત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતી હતી. સમગ્ર પરિવાર હસ્તીની સિદ્ધિથી ખુશખુશાલ છે.
અમે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ અને હું રત્ન કલાકાર છું. અમારા કુટુંબમાં કોઈ આટલા ટકા આજદિન સુધી લાવ્યું નથી. આથી હસ્તીને લઈને અમે ખુદ હેપી છીએ. મારે સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મારા પપ્પાનો ખૂબ જ સપોર્ટ હસ્તીને રહ્યો હતો. ઘરમાં કોઈપણ કામ તેને કરવા દેતા નહોતા. આથી હસ્તીને 10થી 12 કલાક વાંચવા માટે મળતાં હતાં. આ મળેલી તકને પગલે હસ્તીએ સારું પરિણામ મેળવી બતાવ્યું છે...પરેશ જાસોલિયા (હસ્તીના પિતા)
ભાવનગર જિલ્લાનું પરિણામ : ગત વર્ષ કરતા ઓછું ભાવનગર જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા 11.96 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષ 2022માં સામાન્ય પ્રવાહમાં પરિણામ 93.09 ટકા હરુ જ્યારે 2023 માં 81.13 ટકા પરિણામ જાહેર થયું છે.
ભાવનનગરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ : 2023માં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ 20,790 હતા જેમાંથી પરીક્ષા આપનાર 20,724 વિદ્યાર્થીઓ હતા. ગ્રેસ પ્રમાણે જોવા જઈએ તો A1 - 132, A2 - 1566, B1 - 3449, B2 - 4422, C1 - 4247, C2 - 2639,D - 349 અને E1 - 10 વિદ્યાર્થીઓ છે.
ધોરણ 12નું પરિણામ આજ જાહેર થયું છે તેમાં ભાવનગર જિલ્લાનું 81.13 ટકા પરિણામ જાહેર થયું છે. અમારી શાળાનું પરિણામ 98 ટકા આવ્યું છે જ્યારે 20 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. જ્યારે જિલ્લામાં 132 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.A2 ગ્રેડમાં અમારી શાળામાં 119 વિદ્યાર્થીઓ છે. જેમાં 11 બહેનો છે 9 યુવકો છે. અમારા દરેક વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જતા નોહતા.ઘરે અને શાળામાં શિક્ષકો મહેનત કરાવતા હતા...નીતાબેન શુક્લ (આચાર્ય, ગુરુકુળ વિદ્યાલય)
ગુરુકુળ શાળાનું પરિણામ : ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા પરિણામમાં જોઈએ તો શહેરના પૂર્વ ઝોનમાં પરિણામ 78.96 ટકા છે જ્યારે પશ્ચિમ ઝોનમાં 86.16 ટકા છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલી સરદારનગર ગુરુકુળ શાળા કે જેમાં હસ્તી જાસોલિયા ભણી તેનું પરિણામ 98 ટકા આવ્યું છે. હસ્તી જાસોલિયાએ કોમર્સમાં 99.86 પર્સનટાઇલ અને 92 ટકા પ્રાપ્ત કર્યા છે. ગુરુકુળ શાળામાં કુલ 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે શાળામાં A2 ગ્રેડમાં 119 વિદ્યાર્થીઓ છે. આ શાળાની ખાસિયત છે કે તે વિદ્યાર્થીઓ પાસે પહેલેથી જ નક્કી કરે છે કે તેઓ ટ્યૂશન રાખશે નહીં અને શાળાના શિક્ષકોની મહેનતથી જ સારુ પરિણામ મેળવે છે.