ભાવનગર: શહેરની સર ટી હોસ્પિટલમાં મારામારીનો કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હવે હોસ્પિટલમાં ફાયરિંગની પણ ઘટના ઘટવા લાગી છે. ગત 27 તારીખની રાત્રિ દરમિયાન જાહીદભાઈ નામના શખ્સ ઉપર ફાયરિંગ થયું હતું. જો કે તેનો આબાદ બચાવ પણ થયો છે. પરંતુ ફાયરિંગની ઘટના બાદ નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. હાલ આ બનાવના CCTV વીડિયો સામે આવ્યા છે.
સર ટી હોસ્પિટલમાં ફાયરિંગના CCTV આવ્યા સામે: આ સમગ્ર ઘટના CCTV વિડીયો સામે આવ્યા છે. જેમાં ઇર્ષાદ નામનો વ્યક્તિ જાહિદભાઈ ઉપર પિસ્તોલ કાઢીને તેના ઉપર ફાયરિંગ કરવાની કોશિશ કરતો હોય તે નજરે પડી રહ્યું છે. જો કે પોલીસે શખ્સને ઝડપી લીધેલો છે.
'ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ કબજે કરી છે. પ્રેમ પ્રકરણમાં આ સમગ્ર ઘટના ઘટવા પામી છે. સર ટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પગલે સુપ્રીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ ઈદની રજાનો દિવસ હોવાથી તેઓ મળી તો શક્યા નહોતા.' -પી.ડી પરમાર, પીઆઈ
સર ટી હોસ્પિટલમાં કેમ ફાયરિંગ: ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જાહીદ ઉર્ફે મુન્નો રહીમભાઈ સૈયદ રીક્ષા ચલાવે છે. તેની પત્ની શહેનાઝબેનને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા. ત્યારે અચાનક આતાભાઇ ચોકમાં માથામાં ઇજાગ્રસ્ત હાલતે શહેનાઝબેન બાંકડા ઉપર મળી આવતા 108 હોસ્પિટલ લઈ આવી હતી. બાદમાં જાહિદભાઈને જાણ કરાઈ હતી. આથી તેઓ તેના ભાઈ સાથે સર ટી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
અન્ય શખ્સો સાથે આવી પહોંચ્યા: સારવાર બાદ પત્નીને રજા આપ્યા બાદ પિયરમાં મોકલી દીધા પછી હોસ્પિટલ પત્નીનો પ્રેમી ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખ અન્ય શખ્સો સાથે આવી પહોંચ્યા હતા. ત્યારે જાહિદભાઈ તેની પત્ની સાથેના સંબંધો છોડી દેવા કહ્યું જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ અને ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખે કમરમાંથી પિસ્તોલ કાઢી હતી. જો કે તે જાહિદભાઈ અને તેના ભાઈ ઝૂંટવી લીધી ત્યારે મિસ ફાયરિંગ થયું હતું તેવી ફરિયાદ જાહિદભાઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ કાફલો દોડી આવ્યો હોસ્પિટલ: ભાવનગર સર ટી હોસ્પિટલમાં સુરક્ષાને પગલે લાખો રૂપિયાનો કોન્ટ્રાકટ સિક્યોરિટીઝ કંપનીઓને આપવામાં આવી રહ્યો છે. આમ છતાં પણ હોસ્પિટલમાં છરી બતાવી, મારામારી કરવી અને હવે તો ફાયરિંગ જેવી ઘટના પણ ઘટવા લાગી છે. ત્યારે સર ટી હોસ્પિટલના સત્તા વાહકો સામે સુરક્ષા પગલે સવાલ ઉભા થઈ રહ્યા છે. જો કે સમગ્ર ઘટના બનતા મોડી રાત્રે નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ થવાને કારણે જમીન પર ગોળીની નિશાનીઓ ચકાસવામાં આવી હતી.જો કે અંતમાં ભોગ બનનાર જાહિદભાઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈર્ષાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.