- કૃષિ કાયદાને લઈ ખેડૂતો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ
- ખેડૂતોએ ગામો ગામ ખેતરો પર કાળા વાવટા તેમજ રેલીઓ કાઢી વિરોધ કરવામાં આવ્યો
- ખેડૂતોએ કાળા વાવટાઓ સાથે બ્લેક ડે ઉજવ્યો
ભાવનગર : દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન દ્વારા ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદો પાસ કરવાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં રાજ્યભરના ખેડૂતોમાં રોષ ફેલાતા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે આંદોલનને આજે 6 મહિના સમય વીતી ગયો હોવા છતાં પણ કૃષિ કાયદાને કેન્દ્ર સરકાર દ્વારા પાછો ખેંચવામાં નહીં આવતા ભાવનગર સિહોર તાલુકાના ખેડૂતો તેમજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાયદાના વિરોધમાં ખેડૂતોએ ગામો ગામ ખેતરો પર કાળા વાવટા તેમજ રેલીઓ કાઢી વિરોધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કૃષિ કાયદાઓની વિરોધમાં રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ દ્વારા બ્લેક-ડે મનાવાયો
શું કહી રહ્યા છે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ?
સિહોર તાલુકાના ગામે ગામે ખેડૂતો દ્વારા કાળા વાવટાઓ ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા બાબતે કિસાન ક્રાંતિ ટ્રષ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ મોરીએ જણાવ્યું હતું કે, આ નિષ્ઠુર સરકાર છે. સમગ્ર દેશના ખેડૂતો માટે આજે કાળો દિવસ છે. સરકાર સામે લડતા લડતા ખેડૂત આંદલને 6 મહિના પુરા કર્યા છતા સરકારના પેટનું પાણી હલતુ નથી. ખેડૂતો માટે નિષ્ઠુર સરકાર છે.

આ પણ વાંચો : કૃષિ કાયદાના વિરોધમાં મજદૂર સંઘ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો
કિસાન આંદોલનમાં 600થી વધુ ખેડૂતોએ પોતાની જાન ન્યોછાવર કરી
ખેડૂતો 6 મહિનાથી દિલ્લીના સિન્ધુ બોર્ડર ઉપર ત્રણ કાળાં કાયદાના વિરોધમાં આદોલન કરી રહ્યા છે. જેમાં 600થી વધુ ખેડૂતોએ પોતાની જાન ન્યોછાવર કરી છે, ત્યારે સરકાર તરફથી કોઈ હિલચાલ દેખાતી નથી, ત્યારે એમનાં વિરોધમાં સમગ્ર રાજ્યમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગામે ગામ કાળા વાવટા ઘરની છત પર લગાવી તેમજ ગામમાં રેલી સ્વરૂપે કાળાં વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. સિહોરના ખાંભા, ટાણા, બોરડી, રબારીકા, સર, સખવોદર, વાવડી, નવાગામ, સુરકા, પીપળીયા, ઘાઘળી, સણોસરા સહિત અનેક ગામડાઓમાં પણ ખેડૂતોએ કાળા વાવટાઓ સાથે બ્લેક ડે ઉજવ્યો છે.