- લીંબુના પોષણક્ષમ ભાવના મળતા ખેડૂતો પરેશાન
- જગતના તાતની સરકાર પાસે સહાયની માંગણી
- ગત વર્ષે 60થી 70 પ્રતિકિલો ભાવ, આ વર્ષે 20થી 25 પ્રતિકિલો
ભાવનગરઃ એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાત કરી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ સર્જાઈ પાલિતાણામાં. પાલિતાણા તાલુકામાં ખરીફ પાક બાદ ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા હતા. તેમને આશા હતી કે, બાગાયતી ખેતીમાં પોષણક્ષમ ભાવ મળશે, પરંતુ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેવું લાગી રહ્યું છે. પાલિતાણા તાલુકામાં બાગાયતી લીંબુની ખેતી કરવામાં આવે છે, પરંતુ હાલ લીંબુના ભાવ ગગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલમાં વેપારીઓ ખેડૂતો પાસેથી 10 રૂપિયા કિલો લીંબુ ખરીદી રહ્યા છે તો બીજી તરફ આજ લીંબુ રિટેલ બજારમાં 35થી લઈ 40 રૂપિયા વેચાઈ રહ્યા છે. જેથી ખેડૂતોને ફરી એક વાર પડ્યા પર પાટુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જુઓ આ અહેવાલમાં...
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાઓમાં લીંબુની બાગાયત ખેતી કરવામાં આવી રહી છે. હાલ બારે માસ લોકો લીંબુનો ઉપયોગ કરતા હોય છે. લીંબુ એ અક્ષિર ઈલાજ ગણવામાં આવે છે અને લોકો પોતાના ઘરે ઉનાળા હોય કે શિયાળો કે હોય ચોમાસામાં લીંબુનો પુષ્કળ ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ વર્ષ કોરોનાની મહામારીને કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. લોકડાઉનના સમયથી લીંબુના ભાવમાં ભડકો થતા હાલ લીંબુના પૂરતા ભાવ મળતા નથી. ગત વર્ષે 60થી 65 રૂપિયા જેવો પ્રતિકિલો ભાવ આવતો હતો, પરંતુ આ વર્ષે લીંબુના ભાવ સાવ તળિયા જતા રહેતા પ્રતિકિલો રૂપિયા 20થી 25 જ આવી રહ્યા છે. આ ભાવમાં ખેડૂતોને તેમનો ખર્ચ કાઢવો પણ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો છે.