સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી અંતર્ગત હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાનમાં અવનવા અને આકર્ષક કિસ્સાઓ પણ ધ્યાને આવી રહ્યા છે. જે દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરી રહ્યા છે. ભાવનગરમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો જેમાં મુળ ભાવનગરના અને રોજગાર અર્થે અમેરિકા સ્થાયી થયેલા એના યુવાન રવિશ ત્રિવેદી મતદાન કરવા માટે અમેરિકાથી ખાસ ભાવનગર આવ્યા હતા.
આ તકે તેમણે દરેક મતદારને મતાધિકારને પોતાની નૈતિક ફરજ સમજી પોતાના અમૂલ્ય મતનું યોગદાન કરવું જોઇએ તેવી અપીલ કરી હતી.
યુવાન રવિશ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યું છે ત્યારે પોતાના અને પોતાના પરિવારના તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરેક મતદારે એવી સરકાર પસંદ કરવી જોઈએ જેથી સામાજિક આર્થિક અને સર્વાંગી વિકાસ કરનારી સરકારની રચના થાય.
ભાવનગરનો આ પરિવાર માત્ર આ વખતે જ નહીં પરંતુ 2012 ની ચૂંટણીઓના સમયથી સતત અને સમાંતર રીતે અમેરિકાથી ભાવનગર ખાસ મતદાન માટે આવે છે. રવિશના બહેન હાલ અમદાવાદ સ્થાયી થઈ છે તે પણ ખાસ મતદાન માટે અમદાવાદથી ભાવનગર આવ્યા હતા અને તેમણે પણ દરેક મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આ મહાપર્વમાં દરેક મતદાર પોતાના મતાધિકારને પોતાની નૈતિક ફરજ સમજે તો ખરા અર્થમાં આ મહાપર્વની મહા ઉજવણી થઈ ગણાય.