ભાવનગર : સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની તારીખ તિથિ અને પંચાંગ અલગ છે. દરેક ધર્મના પોતાના દિવસોને લઈને કોઈને કોઈ માધ્યમ જરૂર રહેલું છે. ભારતમાં રહેતા હિન્દુઓ પંચાંગને અનુસરીને સારા દિવસો અને ખરાબ દિવસો તેમજ શુભ અને અશુભ ઘડીની જાણ મેળવીને સારા કાર્ય કરતાં હોય છે, ત્યારે બજારમાં આજે પણ ડિજિટલ સમયમાં તારીખ,તિથિ સહિતનું મહત્વ સમજાવતા ડટ્ટા અને તારીખીયા લોકો માટે જીવન જરૂરિયાતની ચીજ સમાન છે.
દિવાળીમાં તારીખિયા અને ડટ્ટાની માગ વધારે : ભારત વર્ષમાં દિવાળી એટલે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. હાલ નવા વર્ષના પ્રારંભથી આગામી વર્ષ સુધીના મહિનાઓ, તિથિઓ, નક્ષત્ર તેમજ શુભ અને અશુભ ઘડી જાણવા માટે ડટ્ટાઓ એટલે કે તારીખીયાનું મહત્વ ખૂબ વધી જાય છે. ભાવનગરની બજારમાં હાલમાં મોટી સંખ્યામાં ડટ્ટાઓ અને તારીખીયાઓ વેચાઈ રહ્યા છે, પણ અલગ અલગ પ્રકારની વેરાઈટીઓ હોવાને પગલે લોકોની પસંદ પણ અલગ અલગ જોવા મળે છે. તારીખીયાઓમાં સચોટ કયું અથવા તો પોતાના અનુભવને આધારે વિશ્વાસ કેળવનાર ડટ્ટા કે કેલેન્ડરની માંગ વ્યક્તિ કરતો રહેતો હોય છે. જો કે હાલમાં દિવાળીના સમયે તારીખીયાઓ વહેંચાય છે જે નવા વર્ષ પ્રારંભથી એક મહિના સુધી માર્કેટમાં રહેતા હોય છે.
કેલેન્ડર અને તારીખીયું આમાં શું શું હોય છે : ભાવનગર શહેરમાં તેમજ આમ કહીએ તો સમગ્ર ભારતમાં તારીખીયા અને કેલેન્ડરની ખૂબ જ માગ રહેતી હોય છે અને ખાસ કરીને તેની માંગ દિવાળીના ટાણે વધી જાય છે, ત્યારે ભાવનગરમાં છેલ્લા 60 વર્ષથી વ્યવસાય કરતા હેમંતભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે દિવાળીના સમયમાં ડટ્ટાઓ, કેલેંડરો અને તારીખીયાઓની માંગ રહેતી હોય છે.
આજે ડિજિટલ યુગ જરૂર આવી ગયો છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તેમ ઘરોમાં તારીખીયા, કેલેન્ડર રાખવામાં આવે છે. કોઈને તિથિ જાણવી હોય અથવા મુહૂર્ત જોવું હોય અથવા તો શુભ ઘડી જાણવી હોય તો આ તારીખીયા ઉપયોગી થાય છે. હિન્દુ ધર્મના પંચાંગ સાથે એક ડટ્ટા ખ્રિસ્તી, પારસી, જૈન સમાજ અને મુસ્લિમ સમાજના પણ પંચાંગોનો સમાવેશ થયેલો છે તેમના પણ દિવસોનું મહત્વ જોવા મળે છે.આમ દરેક વર્ગ તેની માંગ કરતો હોય છે...હેમંતભાઈ ગણાત્રા (વેપારી )
ભાવ શું અને પંચાંગનું મહત્વ કેમ : દિવાળીના સમયે તારીખીયા અને પંચાંગની માગ રહેતી હોય છે. ઘરે ઘરે તારીખીયાનો ડટ્ટો જરૂર જોવા મળે છે. પરંતુ પંચાંગમાં તિથિની શરૂઆતથી લઈને અંત સુધી તેમજ નક્ષત્રના પ્રારંભથી અંત સુધી દર્શાવવામાં આવેલું હોય છે. આ સાથે આવનાર વર્ષમાં વાસ્તુ, મકાન ખરીદી, પશુ ખરીદી તેમજ અન્ય ઘણી બધી ધાર્મિક ચીજોનો સમાવેશ થતો હોય છે. આથી પંચાંગની પણ વધારે પડતી માગ રહેતી હોય છે. ત્યારે હેમંતભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે તારીખીયાના ડટ્ટાઓ, કેલેંડરો અને પંચાંગ રૂપિયા 30 થી લઈને 100 રૂપિયાની વચ્ચે મળી રહ્યા છે. જો કે તેની ખરીદી દિવાળીના હાલના પાંચ દિવસ દરમિયાન અને નવા વર્ષની શરૂઆતના પાંચ દસ દરમિયાન થતી હોય છે.