ભાવનગર : દિવાળીમાં ખરીદી કરવા નીકળતી મહિલા સહિત દરેક વ્યક્તિઓનું ધ્યાન ફૂલો પર અટકી જાય છે. સુંદરતા વેરતા ફૂલો મહિલાઓને પોતાની તરફ ખેંચી જાય છે તો રસ્તા પર ચાલી જતી વ્યક્તિ વળી વળીને ફૂલોની વેરાયટીને નિહાળતો જાય છે. મહેક નહીં પણ સુંદરતા વેરતા ફૂલોની બજારમાં ગરમાવો છે. મોંઘા છે પણ મનમોહી લેતા ફૂલો છે. જુઓ ભાવથી લઈ સંપૂર્ણ વિગત.
ફૂલો મન મોહી લેતા હોવાથી પગ થોભી જાય : દિવાળીનું ટાણું છે અને ગૃહિણીઓ ઘરની સુશોભન માટે બજારમાં દિવાળી ટાણે અચૂક નજર મારીને ખરીદી કરવા પહોંચી જાય છે. ભાવનગરના ઘોઘાગેટના ચોકમાં ડુપ્લીકેટ ફૂલો વેચતા પરપ્રાંતિયોના ફૂલો પર ગૃહિણીઓના પગ થોભી જાય છે. મન મોહી લેતા ફૂલો વિશે ગૃહિણીઓ માની રહી છે કે ઘરમાં મહેક તો નથી પ્રસરાવતા ફૂલો પણ શોભા જરૂર વધારે છે. દિવાળીના સમય હોવાથી ગત વર્ષ કરતા થોડા ફૂલો મોંઘા હોવાનું પણ ગૃહિણીઓ માની રહી છે પણ ખરીદી ઘરના સુશોભન માટે મહત્વની બની રહી છે.
આ આર્ટિફિશિયલ ફૂલો ઘરની શોભા વધારે છે. આ ફૂલોનું આકર્ષણ વધારે છે માટે લોકો લેવા આવે છે.કુદરતી ફૂલ ઘરમાં ઉગાડીને રોજ તેની માવજત કરવાનો સમય હોતો નથી. અમે દર વર્ષે લઈ જઈએ છીએ પણ આ વર્ષે ભાવ વધારે છે ગત વર્ષ કરતા 30 થી 40 રૂપિયા વધારે છે. સેજલબેન બારડ (ગૃહિણી)
કેવા પ્રકારના ફૂલો અને ભાવ : નવા વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે લોકો એક બીજાને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવવાના છે. લોકો એકબીજાને ઘરે જવાના છે. ઘરોના સુશોભન નિહાળતા હોય છે. ત્યારે ઘરમાં નકલી ફૂલોની શોભા ઘરની શોભામાં વધારો કરે છે. ભાવનગરમાં યુપીથી આવતા પરપ્રાંતિયો વધારે ફૂલો વેચીને રોજગારી મેળવે છે. હાલમાં બજારના વિદેશી અને દેશી નકલી ફૂલોની બજાર ગરમ જોવા મળી રહી છે.
આ ફૂલોની ખરીદી અમે દિલ્હીથી કરીને લાવીએ છીએ. દરેક પ્રકારના ફૂલો લાવીએ છીએ. જેની જેવી માંગ હોય તેવા ગુલદસ્તો પણ બનાવી દઈએ છીએ. અમે ગુલદસ્તો બનાવવા લુઝ વસ્તુઓ વધુ લાવીએ છીએ અને બાદમાં અમે અમારી રીતે તેમાંથી ફૂલોની જોડી બનાવીએ છીએ. અમારી પાસે ભારતીય ગુલાબ,જાસૂદ,ચેરી,ગલગોટા,સૂર્યમુખી સહિતના ફૂલો છે અને વિદેશી મોમ અને કાર્લેશન જેવા લાવીએ છીએ...રમાકાંત રાવ ( પરપ્રાંતીય વ્યાપારી )
ખોટા છે પણ જોઇતા છે તેવો ગૃહિણીનો મત કેમ : ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં નકલી ફૂલો જાહેર રસ્તા ઉપર લગાડેલા છે. જેને નીહાળતાં દરેક વ્યક્તિ અને ગૃહિણીઓના પગ તેના તરફ આપોઆપ ખેંલાઈ જાય છે, " ખોટા છે પણ મારે જોતા છે " તેવા ઘાટ જોવા મળે છે. જોકે ફૂલોની બજારમાં 30 થી 40 રૂપિયાનો વધારો છે ત્યારે સો રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના ફૂલોની જોડી જોવા મળી રહી છે. જો કે આ ફૂલો દરેક દિવાળીમાં લોકોના ઘરના કુંજાઓમાં જોવા મળતા હોય છે જે ઘરની શોભા વધારે છે.