ભાવનગરઃ લોકડાઉન 3.0 શરૂ થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવ્યું છે. કામ ધંધાઓ બંધ હોવાથી 3 મહિનાનો ટેક્સ માફ કરવા તથા ટેક્સ ભરવાની તારીખ આગળ વધારવા મહાનગરપાલિકાના કમિશનર પાસે લેખિતમાં માગ કરવામાં આવી છે.
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, કોમર્સિયલ ટેક્સ અને ઔદ્યોગિક ટેક્સ લેવામાં રાહત આપવામાં આવે અને લોકડાઉનમાં ઘણા સમયથી વ્યવસાયો બંધ હોવાથી કોઈ કમાણી થઈ નથી. ત્યારે મનપા દ્વારા ઉદ્યોગકારોની પરિસ્થિતિ સમજીને ટેક્સમાં રાહત અને સમય મર્યાદામાં વધારો કરવામાં આવે. કારણ કે, કોઈ આવક વગર ટેક્સ ભરવાથી વેપારીઓની કમર તૂટશે અને લોકડાઉન સમય બાદ વ્યવસાયો શરૂ થશે ત્યારે હાલાકીનો સામનો કરવો પડશે.
આ સાથે 10 ટકા રિબેટ આપવામાં આવે અને જે તારીખ છે તેને લંબાવીને 30/6 સુધી વધારી દેવામાં આવે. કારણ કે વ્યવસાયકારોને આવક નથી અને લોકો સંઘર્ષ સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા રાહત આપવામાં આવે તેવી માગ કરી છે.