- વિજય રૂપાણીના હસ્તે બુધેલ ખાતેથી પાણીની લાઈનનું ખાતમુહૂર્ત
- ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો થશે લાભ
- કુલ 612 ગામો અને 20 શહેરો મળી કુલ 43 લાખની વસ્તીને પાણી માટેની યોજના
- નર્મદા તેમજ મહીપરીએજ યોજના આધારિત અંદાજે 376.19 કરોડના કામનું ખાતમુહૂર્ત
ભાવનગર : અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ 612 ગામો અને 20 શહેરોની ભવિષ્યની કુલ 43 લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહીપરીએજ યોજના આધારિત અંદાજે 376.19 કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાવનગર તાલુકાના બુધેલ ગામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી, કેશુભાઈ નાકરાણી, આત્મારામ પરમાર, આર.સી મકવાણા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
43 લાખની વસ્તીને આવનાર દિવસોમાં પીવાના પાણીનો મળશે લાભ
પાણી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લા સહિત અમરેલી અને ગીર સોમનાથ સુધીમાં બુધેલ ગામથી બોરડા સુધીમાં 18 કરોડ લીટર ક્ષમતાની પાઇપલાઇન નાખવાનું પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણી હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણી દ્વારા જણાવેલ કે, આ યોજનાના કામો પૂર્ણ થયેથી અને યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના કુલ 612 ગામો અને 20 શહેરોની ભવિષ્યની કુલ 43 લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.
સીએમના કોંગ્રેસ પર પ્રહારો
મુખ્યપ્રધાન દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું કે, કોંગેસ પાસે પાણી પહોચાડવા માટેની કોઈ નક્કર યોજના નહોતી. તેમજ જે સમયે ભાજપ સરકાર દ્વારા પાણીની લાઈનો નાખવામાં આવતી હતી. તે સમયે લોકોને સરકાર વિરદ્ધ ભ્રમિત કરવામાં આવતા હતા. આજે એ દિવસ આવી ગયો કે, કોંગ્રેસ પાસે આનો કોઈ જવાબ નથી. આવનાર દિવસોમાં સરકાર દ્વારા છેવાડાના ગામડાઓ અને શહેરો સુધી પીવાના પાણીની સમસ્યાઓ દુર કરી લોકોને પડતી પાણી માટેની મુશ્કેલી દુર થઇ જશે.
ખેડૂત આંદોલન અને વેક્સિન મુદ્દે મીડિયા સમક્ષ ચર્ચા
રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલન બાબતે સીએમ વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે જે રીતે દેશભરમાં ખેડૂતો દ્વારા ખેડૂત વિરોધી બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે આંદોલનના નામે નાટકો કરવામાં આવી રહ્યા છે. જે કાયદો કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે ખેડૂતો માટે લાભકારી છે. તેમજ ખેડૂતો જાતે જ પોતાની ઉપજને સારા ભાવોમાં વહેચી શકે તે પ્રકારનો છે. આ સાથે સાથે એનએસપીડી પણ ચાલુ રાખવાની જાણકારી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બનાવામાં આવી છે. તેનો ખેડૂતોને સારો એવો લાભ પણ મળી રહ્યો છે. જેને કારણે ગુજરાતનાં ખેડૂતોને કાયદા બાબતે કોઈ વિરોધ નહિ હોવાનું પણ જણાવ્યું હતું.
કોરોના વેક્સિન બાબતે વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના મહામારીને પહોંચી વળવા 50 હજાર જેટલા બેડની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. તેમજ વેક્સિન માટેની તૈયારીઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જે બાબતે ચાર તબક્કાના માળખાની રચના પણ કરવામાં આવી છે. તેમજ આવી મહામારી સદીમાં એકવાર આવતી જ હોય છે. પરંતુ તેવી મહામારીને પહોંચી વળવા સરકાર તૈયાર જ હોય છે. લોકોએ પણ તૈયારીઓ રાખવી પડશે અને માસ્ક અને જરૂરી સૂચનોનું પાલન આવશ્યક કરવું પડશે.