ભાવનગર: સમગ્ર ભારતમાં ડુંગળી પકવવામાં પ્રથમ ક્રમાંકે મહારાષ્ટ્ર અને બાદમાં ગુજરાતના ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળી પકવતા ખેડૂતોને હાલમાં સરકારે કરેલી નિકાસબંધીને પગલે આર્થિક ફટકો પડ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવાનું માર્કેટિંગ યાર્ડ છેલ્લા બે દિવસથી બંધ છે. ખેડૂતોએ કેન્દ્રની સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. જ્યારે ડુંગળી પાકીને યાર્ડમાં આવી છે ત્યારે નિકાસબંધીનો વિરોધ ખેડૂતોએ કર્યો છે, જો કે યાર્ડનું વલણ શુ રહ્યું જાણો.
ડુંગળી પકવવામાં ગુજરાતમાં ભાવનગર મોખરે: ભાવનગર જિલ્લામાં આશરે અઢી લાખથી વધારે ખેડૂતો છે. જિલ્લામાં દર સિઝનમાં ડુંગળીનો પાક લેવામાં આવે છે. સાડા ચાર લાખ હેક્ટર જમીન ઉપર ડુંગળીનું વાવેતર થાય છે. હાલમાં રવિ પાકમાં જોઈએ તો ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં 19,747 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે જે રવિ પાક લેવાનો હાલ સમય છે. ભાવનગરમાં એક સમયે ડુંગળીના ભાવ બે રૂપિયા કિલો ખેડૂતોને મળેલા છે જે સૌથી નીચા રહેલા છે. તેનાથી વધારે પણ ડુંગળીના ભાવ ખેડૂતોને હાલમાં મળી રહ્યા છે.
"કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધી કરવામાં આવી છે. જેના કારણે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પડેલી 50,000 ડુંગળીના ભાવ બે દિવસમાં નિકાસબંધી બાદ ઘટી ગયા છે. 700 ની વહેચાતા થેલા હાલમાં 400 રૂપિયા વહેચાઈ રહી છે.જેથી ખેડૂતોને એક થેલાએ 200 થી 300 રૂપિયાની નુકસાની આવી છે. કેન્દ્ર સરકારે વ્યાપારીઓની ડુંગળી ખાલી થઈ એટલે નિકાસબંધી લાદી દીધી છે. જો નિકાસબંધી શરૂ રહે તો ખેડૂતોને પણ ઊંચા ભાવ મળી શકે. મહુવા યાર્ડમાં 50 થી 60 હજાર થેલાઓ બે દિવસથી હોવાથી ડુંગળી ઊગી નીકળી છે." - ભરતસિંહ વાળા (આગેવાન, ખેડૂત, ભાવનગર)
"મહુવામાં હું બે દિવસથી ડુંગળી લઈને આવ્યો છું અને અહીં 50,000 જેટલા થેલા પડ્યા છે, તડકો છે અને ડુંગળી એમનેમ છે. હરાજી શરૂ નથી ત્યારે સરકારે આ નિકાસબંધીનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે અમને 60થી લઈને 80 રૂપિયા મણ ડુંગળી વહેચવી પડી હતી, તેનું અમને નુકસાન ભોગવું પડ્યું હતું. આ વર્ષે અમને બે પૈસા મળી રહ્યા છે ત્યારે સરકારે આ નિર્ણય હટાવવો જોઈએ. સરકારને હવે શું તકલીફ પડે છે ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. ખેતરમાં આવીને જુઓ તો ખબર પડે કેમ ડુંગળી પાકે છે. ACમાં બેસીને નિર્ણય કરે છે. તાત્કાલિક અસરથી આ નિર્ણય હટાવો જોઈએ. - રામભાઈ વાલાભાઈ (ખેડૂત, વડળીયાળા, ગીર સોમનાથ)
મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ભાવનગર જિલ્લો ડુંગળી પકવવામાં મોખરે રહ્યો છે. મહુવા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીનો જથ્થો આવીને પડ્યો છે. પરંતુ હાલમાં કેન્દ્ર સરકારની નિકાસબંધીને લઈને ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.
'ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 50,000 જેટલા થેલાઓ ડુંગળીના પડેલા છે. નિકાસબંધીના કારણે 200 રૂપિયા ભાવ થેલાએ ડુંગળીના ઘટ્યા છે. ખેડૂતોના વિરોધ અને રોષ પગલે અમે સરકારમાં રજૂઆત કરી છે. જો કે કરાયેલો નિર્ણય નુકસાન કર્તા છે આથી સરકારને વિચારીને નિર્ણય પર ફરી નિર્ણય કરવા જણાવ્યું છે. હાલમાં હજુ સરકારનો જવાબ આવ્યો નથી. પરંતુ આવતીકાલથી હરાજી શરૂ થશે.' - ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન, મહુવા માર્કેટીંગ યાર્ડ