ભાવનગર ખાતે મેગા રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડૉ. ભદ્રાયુ વચ્છરાજાણી, ભાગ્યેશ જંહા તેમજ ડો. રાજેન્દ્ર કાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજનો આ કાર્યક્રમ વિશેષ હતો કારણ કે, ભાવનગરના શતકવીર રક્તદાતા ડૉ. રાજેશભાઈ મહેતા કે જેઓ ૬૫ વર્ષની વયે તેમના જીવનનું અંતિમ કહી શકાય તેવી ૧૭૫મી વખત રક્તદાન કર્યું હતું. તેમની આ સિદ્ધિને વિવિધ સંસ્થાઓએ આવકારી તેમને મોમેન્ટો, શાલ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ તકે ડૉ. રાજેશ મહેતાના પરિજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હાલના સમયમાં જીવનમાં રક્તદાન, દેહદાન અને ત્યારબાદ હવે અંગદાન બાબતે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. લોકો હવે કોઇપણ પ્રકારના ડર વગર રક્તદાન કરી રહ્યા છે. ખાસ મેડીકલના વિદ્યાર્થીઓ માટે દેહદાન પણ ખુબ જરૂરી છે જેનાથી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેના પર અભ્યાસ કરી શકે અને ઉપરાંત હાલ અકસ્માતોની સંખ્યામાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અનેક ગંભીર અકસ્માતોમાં અનેક લોકો બ્રેઈનડેડ થઇ જતા હોય છે.
બ્રેઈનડેડ થયેલા વ્યક્તિ ફરી ક્યારેય જીવિત થઇ ના શકે ત્યારે દર્દીના પરિજનોને તેમના અંગો દાનમાં આપવા અંગે ની સમજણ આપવામાં આવે છે. ત્યારે લોકોને રક્તદાન, દેહદાન અને અંગદાન બાબતે પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત અતિથી વિશેષ મહાનુભાવો દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે યુવા રકતદાતાઓ પણ આ તકે રક્તદાન કરી તેના મહત્વને સમજી રહ્યા છે જે બાબત પણ ખુબ મહત્વની બની રહી છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં ભાવનગરના અનેક શતકવીર રકતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.