ભાવનગર : શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર ઉપાધીનો ટોપલો પડ્યો છે. વરસાદની આગાહી વચ્ચે ભાવનગર યાર્ડના તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં ખેડૂતો ડુંગળીને લઈને આવતા દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ થઈ છે. શહેરમાં અનરાધાર વરસાદ વરસતા 80 હજાર ડૂંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું છે. લાખો રૂપિયાની ડુંગળી પર પાણી ફરી વળતા ખેડૂતો અને વ્યાપારીઓ ચિંતિત બન્યા છે.
યાર્ડમાં આવેલી 80 હજાર ગુણી પાણીમાં : ભાવનગર શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં 80 હજાર ગુણી ડુંગળીની વહેચાવા માટે આવેલી હતી. આ ડુંગળી સંપૂર્ણ વહેચાય તેના પહેલા અનરાધાર વરસાદ ભાવનગરમાં વરસી જવાથી ખેડૂતો અને વ્યાપારીઓ લાખોનું નુકશાન થયું છે. યાર્ડમાં 80 હજાર ગુણી પર કમોસમી અનરાધાર સાંજે આવેલો વરસાદ વરસતા ડુંગળી બગડવાની સંપૂર્ણ શક્યતાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો : Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો
યાર્ડના તંત્રએ આપ્યો શું જવાબ ડુંગળી પગલે : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પગલે યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે, યાર્ડમાં ડુંગળી બે દિવસ લાવવા માટે ખેડૂતોને મનાઈ ફરમાવી હતી. આગાહી હવામાન વિભાગની હોવાને પગલે ખેડૂતોને ભારે વરસાદના કારણે ડુંગળી નહિ લાવવા જણાવ્યું હતું. પરંતુ મોટા પ્રમાણમાં ડુંગળી લઈ આવતા ડુંગળી પલળી ગઈ છે. જોકે, ડુંગળી વ્યાપારી અને ખેડૂતોની મળીને આશરે 80 હજાર ગુણી ખુલ્લામાં રાખવામાં આવેલી છે.
આ પણ વાંચો : Unseasonal Rain Junagadh: ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ કરા સાથે પડેલા માવઠાથી નુકસાનના એંધાણ
પલળી ગયા બાદ ભાવ દાઝ્યા પર ડામ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે સાંજે 45 હજાર ડુંગળીની ગુણીની હરાજી થયા બાદ અન્ય ડુંગળી ખેડૂતોની હરાજી બાકી હતી, ત્યારે યાર્ડમાં મનાઈ હોવા છતાં લાવ્યા હોવાનો કક્કો યાર્ડનું તંત્ર ઘૂંટી રહ્યું છે. જોકે, ખેડૂતોના મત પ્રમાણે ડુંગળી પલળી ગયા બાદ તેના ભાવ અડધા આવે છે. કારણ કે પલળી ગયેલી ડુંગળી ઊગી નીકળે છે. ત્યારે યાર્ડમાં ડુંગળીના ભાવ 50 રૂપિયાથી 200 વચ્ચે રહ્યા હતા. અનરાધાર વરસાદમાં ડુંગળી પલળી ગયા બાદ બીજા દિવસે ડુંગળી વ્યાપારીઓ ખરીદશે કે કેમ ? તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે.