ભાવનગર : શહેરના બે સગા ભાઈ અને તેમના એક મિત્રની ત્રિપુટીએ યોગસેના બનાવી છે. તેઓ પોતાની પૂર્વ શાળામાં બાળકોને યોગ ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી બનવાની તાલીમ આપી રહ્યા છે. હાર્દિક અને તેનો ભાઈએ મિત્રની મદદથી પછાત વિસ્તારમાં યોગ શીખવવાની પહેલ કરી છે. શાળામાંથી એક રિક્ષા બાલકોનો યુનિવર્સીટી યોગ હોલ ખાતે લઈને જાય છે. આ ત્રીપુટી રોજની બે કલાક બાળકોને યોગ શીખવી રહ્યા છે. જાણો હાર્દિકની ઘરની સ્થિતિ અને શાળામાં યોગદાન શું ?
શાળામાં તૈયાર કરી યોગસેના : ભાવનગર શહેરના અક્ષરપાર્કમાં આવેલી શાળા નંબર 52માં અભ્યાસ કરીને નીકળેલા હાર્દિક મકવાણા અને તેનો ભાઈ હિતેન મકવાણા તેમજ કરણ ચૌહાણ છેલ્લા નવ વર્ષથી શાળા સાથે સંકળાયેલા છે. શાળાના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાર્દિક, હિતેન અને કરણ ત્રણેય યોગગુરૂ બનીને પોતાની જ શાળાના 6 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને યોગનું માર્ગદર્શન આપી રહ્યા છે.
સંઘર્ષપૂર્ણ જીવન : કુંભારવાડામાં રહેતા હાર્દિક મકવાણાના ઘરે ETV BHARAT પહોંચ્યું હતું. હાર્દિકનું ઘર એક રૂમમાં પૂર્ણ થઈ જાય છે. આગળ નાનકડું એવું ફળિયું છે. એક રૂમમાં હાર્દિક સહિત કુલ ચાર ભાઈઓ અને તેના માતા પિતાનો સમાવેશ થાય છે. આ ચાર ભાઈઓ આ એક જ રૂમમાં મોટા થયા છે. હાર્દિકના મોટા ભાઈઓ સિલાઈ કામ કરે છે. તેઓ પણ ધોરણ 12 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. કુંભારવાડાની શાળાના વિદ્યાર્થીઓને જે રીતે શિક્ષકોની મદદ થઈ રહી છે તેને લઈને તેના પિતા જણાવ્યું હતું કે, શાળાના પ્રયાસથી વિદ્યાર્થીઓ ઓરિસ્સા, કલકત્તા, ઓરંગાબાદ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ ટીમને માત્ર હાથ જોડીને જતા લોકો કરતા આર્થિક મદદ કરનારા લોકો મળી જાય તો આ પછાત વર્ગના વિદ્યાર્થીઓ શાળા, શહેર અને દેશનું નામ રોશન કરી શકે છે.
9 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ : આ ત્રિપુટીએ છેલ્લા નવ વર્ષમાં 50 થી વધારે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. જેમાં હાલ પ્રદીપ ખોખાણી, નરેન પરમાર અને નિકુંજ મકવાણા જેવા વિદ્યાર્થીઓ વિવિધ કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે. પછાત વિસ્તારના જ વિદ્યાર્થીઓની એક યોગસેના આ પૂર્વ વિદ્યાર્થીઓએ તૈયાર કરી રહ્યા છે. નવ વર્ષથી ચાલતી આ પરંપરા સમયાંતરે ચાલ્યા કરે તે માટે નવા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જોકે, યોગ શીખવતા હાર્દિક અને હિતેનની આર્થિક અને ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
અમે ચાર ભાઈઓ છીએ. હું ધોરણ 6 થી યોગનો અભ્યાસ કરુ છું. હાલમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારો ભાઈ મકવાણા હિતેન અને અન્ય મિત્ર કરણ ચૌહાણ મારા સહયોગી છે. અમે ત્રણેય અમારી શાળાના હાલના વિદ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા છીએ. જેમાં હાલમાં જ ખોખાણી પ્રદીપ, નરેન પરમાર અને નિકુંજ મકવાણા યોગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને આવ્યા છે. યોગ શિખવવામાં અમારો મિત્ર કરણ ચૌહાણ ઓલિમ્પિયાડમાં ગયા વર્ષે દિલ્હી જઈ આવ્યો છે. ઉપરાંત આ વર્ષે ભોપાલ પણ જઈ આવ્યો છે. અમે હાલમાં પણ યોગની પ્રેક્ટિસ પણ કરીએ છીએ.-- હાર્દિક મકવાણા (યોગ શીખવનાર)
વિશ્વ રેકોર્ડ સ્થાપવાની તૈયારી : પોતાની પ્રાથમિક શાળામાં યોગ શિખવતો હાર્દિક મહેશભાઈ મકવાણા હાલમાં TY B.COMમાં અભ્યાસ કરી રહ્યો છે. બંને ભાઈઓ સાથી મિત્ર કરણ ચૌહાણના સથવારે પોતાની પૂર્વ પ્રાથમિક શાળામાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગનું જ્ઞાન આપી રહ્યા છે. આ ઉપરાંત હાર્દિક મકવાણા પોતે પર્વતાસનમાં રેકોર્ડ કરવાની તૈયારીમાં છે. તેને હાલમાં 1:31 કલાક સુધી પર્વતાસનમાં સ્થિર રહીને વિશ્વ રેકોર્ડ કરવાની તૈયારી કરી લીધી છે. જોકે, આ આસન હાર્દિકે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. માત્ર રજિસ્ટ્રેશન કરાવવાની કામગીરી બાકી હોવાનું હાર્દિકે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓનો યોગપ્રેમ : શાળાના શિક્ષક ભગીરથભાઈએ જણાવ્યું હતું કે, શાળામાં જુના અને નવા વિદ્યાર્થીઓ સંયુક્ત રીતે પ્રેક્ટિસ કરે છે. એક ગુરુ ભાઈ તરીકે એકબીજાને પ્રેમથી શીખવે છે. જોકે, શાળામાં સાથે યોગ શીખતા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં પણ સાથે જાય છે. પરંતુ ક્યારેય તેને સ્પર્ધા સમજતા નથી. તે રીતે આ પરંપરા નવ વર્ષથી ચાલી આવી છે.
ભાઈઓની સંઘર્ષકથા : હાર્દિકના પિતા મહેશભાઈ મકવાણાએ પોતાના પુત્રોના કાર્ય અને સંઘર્ષકથા વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મારે મકાનની સુવિધા નથી. અમારે નીચેથી અને ઉપરથી ઘરમાં પાણી આવે તેવી સ્થિતિ છે. જોકે, આ સમસ્યા હંમેશ માટે નિકાલ થાય તો મારા નહીં પણ કુંભારવાડામાં અનેક ઘરોની સમસ્યાનો નિકાલ જરૂર થઈ જશે. બાળકો અભ્યાસ અને યોગમાં આગળ વધશે.