ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં 155 જેટલી હોસ્પિટલો નોંધાયેલી છે. ત્યારે હાલમાં એક તબીબ જાતીય પરીક્ષણમાં રંગે હાથ ઝડપાઇ ગયા છે. સોનાગ્રાફી મશીન સીલ કરી તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે ઈટીવી ભારતે લિંગ પરીક્ષણ મામલે પાંચ વર્ષની આરોગ્ય વિભાગની કામગીરી અને ડોક્ટરને સજા સહિત શું કાર્યવાહી થઇ છે તે વિશે પ્રકાશ પાડ્યો છે. અત્યાર સુધીમાં 3 ડોક્ટરને જેલની સજા થઇ ચૂકી છે.
જાતિ પરીક્ષણ ડોક્ટર પકડવા છટકું : ભાવનગર શહેરમાં 7 તારીખના રોજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ એક ડમી કેસ બનાવ્યો. જાતિ પરીક્ષણ કરતાં ડોક્ટરને રંગે હાથ પકડવા આ રીતે છટકું ગોઠવાયું. ડમીને 15,000 ની નોટ આપવામાં આવી હતી. આ નોટના નંબર નોંધી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડમી કેસ શાસ્ત્રીનગર ખાતે આવેલા અંકિત મેટરનીટી હોસ્પિટલ ડોક્ટર પંકજ દોશીને ત્યાં જાતિ પરીક્ષણ કરાવવા માટે પહોંચ્યા હતા.
જાતિ પરીક્ષણ કરતાં રંગે હાથ ઝડપી લીધા : ડોક્ટર પંકજ દોશીએ 15 હજાર જેવી કિંમત ડમી કેસ પાસેથી લઈને સોનોગ્રાફી કરીને જાતિ પરીક્ષણ કરી બેબી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અચાનક આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટરનો ભાંડો ફૂટી ગયો અને તેમણે સ્વીકારેલી 15 હજારની નોટના નંબર મેળવીને ચેક પણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સોનોગ્રાફીનું મશીન સીલ કરીને જપ્ત કરવામાં આવ્યું હતું અને ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ચેકીંગ? : ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા હોસ્પિટલો અને ખાનગી ડોક્ટરોના હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આરોગ્ય વિભાગે પીસી એન્ડ પીએન ડીટી એક્ટની જોગવાઈ મુજબ ત્રણ વર્ષ દરમિયાન વર્ષ 2022માં 526, વર્ષ 2023માં 564 અને વર્ષ 2023/24 માં 151 જેટલા ચેકિંગો હાથ ધર્યા છે અને જરૂર પડે ત્યાં કાર્યવાહી હાથ ધરેલી છે.
![લિંગ પરીક્ષણ સામે લાલ આંખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2023/18961931_1.jpg)
ઝડપાયેલા ડોકટરોના કેટલા રજિસ્ટ્રેશન રદ થયાં? : ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભ પરીક્ષણને લઈને છેલ્લે 2020માં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક રજિસ્ટર વાઇફાઇ પોર્ટેબલ મોબાઈલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. જ્યારે ગર્ભ પરીક્ષણને લઈને કુલ ત્રણ સ્ટીંગ ઓપરેશન સફળ થયાં હતાં. છેલ્લા ત્રણથી પાંચ વર્ષમાં જોઈએ તો 2018થી આજ દિન સુધી પાંચ જેટલી હોસ્પિટલ છે જેણે કાયદાનો ભંગ કર્યો છે. તેની સામે પગલાં ભરાયા છે. ડોક્ટરને થયેલી સજા જોઈએ તો ત્રણ ડોક્ટરો સામે કેસ દાખલ કરવામાં આવેલા છે. જ્યારે પાંચ વર્ષમાં ચાર ક્લિનિકના પીસી એન્ડ પીએનડીટી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં તપાસ કરીને રેડ કરી હોય તે આંકડો 1995 નો છે તેમ આરોગ્ય અધિકારી ચંદ્રમણિ કુમારે જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જાતિ પરીક્ષણને લઈને વારંવાર ચેકીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે 2015 થી 2024 સુધીમાં જોઈએ તો આરોગ્ય વિભાગે 2015માં પતિપત્નીને જાતિ પરીક્ષણમાં સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપી પાડ્યા હતા. જેમાં ભરત પુરોહિત અને કલ્પના પુરોહિત બે ઝડપાતા કોર્ટમાં કેસ દાખલ થયો હતો. જે ચાલી જતાં બંનેને બે વર્ષની સજા અને 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 2021માં એક સ્ટીંગ ઓપરેશનમાં ડોક્ટર ડી પી મૈયાણી પણ ઝડપાઈ ગયા હતા. જેને કોર્ટમાં કેસ ચાલી જતા છ મહિનાની સજા અને દસ હજારનો દંડ થવા પામ્યો હતો...ડો.ચંદ્રમણિ કુમાર (આરોગ્ય વિભાગ અધિકારી, ભાવનગર જિલ્લા પંચાયત)
સજા ભોગવી લીધા બાદ ડોક્ટરને કઇ છૂટ અને કઈ નહીં : જાતિ પરીક્ષણ કેસમાં ડોક્ટરો ઝડપાયા બાદ જેલની સજા પણ થતી હોય છે અને તે ભોગવીને બહાર આવે પછી તેઓને કઇ છૂટ હોય છે અને કઇ નહીં તે પ્રશ્નનો જવાબ આપતાં જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ચંદ્રમણિ કુમારે જણાવ્યું હતું કે તેવા ડોક્ટરો સજા ભોગવીને બહાર આવ્યા બાદ તેમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી હોય છે પરંતુ સોનોગ્રાફી તેઓ કરી શકતા નથી. આમ ડોક્ટરો ગેરકાયદે પ્રવૃત્તિ કરીને સજા ભોગવ્યા બાદ છૂટકારો મેળવી બાદમાં તબીબીપણું પ્રાથમિક રીતે કરી શકે છે.ૉ