ભાવનગર : ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની ઉમટી પડી છે. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળાનું ભવ્ય આયોજન છે. પાંડવો સ્થાપિત નિષ્કલંકના દરિયામાં સ્નાનથી મુક્તિ મળે છે. પ્રધાન પરસોત્તમભાઈ સોલંકી દ્વારા પોતાના મત વિસ્તારના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રસાદીનું વર્ષોથી વિતરણ થાય છે. ભારે ભીડ ઉમટતી હોવાથી મસમોટો પોલીસ કાફલો પણ ગોઠવાય છે.
રજવાડાની ધજા ચડાવ્યા બાદ મેળો શરુ : પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોને દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ભાદરવી અમાસના સમુદ્ર સ્નાન નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થાય છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાખોની જનમેદની નિષ્કલંક કોળિયાક ખાતે ઉમટી પડી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ્યના કોળી સમાજના નેતા અને પ્રધાન પરષોત્તમભાઈ દ્વારા પ્રસાદી વિતરણ પણ કરવામાં આવે છે.
નિષ્કલંક મહાદેવને રજવાડાની પ્રથમ ધજા અર્પણ થઈ : ભાદરવી અમાસ એટલે જીવન દરમિયાન કરેલા પાપોને ધોવાનો દિવસ. હા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરૂ મહત્વ છે. 126 વર્ષથી ભાવનગર રજવાડા દ્વારા એક દિવસ પૂર્વે ધજા પૂજન કરીને ભાદરવી અમાસની વહેલી સવારે પ્રથમ ધજા નિષ્કલંક મહાદેવને ચડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રજવાડાની પ્રથમ ધજા ચડી હતી. વર્ષોની આ પરંપરાને ગોહિલ રાજપૂત સમાજ અને સરવૈયા પરિવાર દ્વારા પ્રતિનિધિત્વ કરીને જાળવી રાખવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળીયાક ગામે દરિયામાં અડધો કિલોમીટર આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન કરવા માટે ભાદરવી અમાસે લાખોની જનમેદની ઉમટી પડે છે. જેને પગલે દર વર્ષે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ડીવાયએસપી આર આર સિંઘલ અને પોલીસ જવાનો દ્વારા પણ નિષ્કલંક મહાદેવને જળ ચડાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.બે કિલોમીટર દૂર વાહનો પાર્ક કરીને ચાલીને નિષ્કલંક મહાદેવ પહોંચવું પડી રહ્યું છે.
ભાદરવી અમાસ નિમિત્તે 1100 જેટલા પોલીસ જવાનો નિષ્કલંક મહાદેવ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે ડીવાયએસપી,પીઆઇ, પી.એસ.આઇ, પોલીસ જવાનો, હોમગાર્ડ, એસઆરપી અને તરવૈયાઓની ટીમ તહેનાત કરવામાં આવી છે...આર. આર. સિંઘલ ( ડીવાયએસપી )
જનમેદની ઉમટી : પ્રધાન પરસોતમભાઈ સોલંકી દ્વારા પ્રસાદી વિતરણ ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશમાંથી ભક્તો સમુદ્ર સ્નાન કરવા માટે આવે છે, ત્યારે કોળીયાક ખાતે ભવ્ય મેળાનું આયોજન થાય છે. ભાદરવી અમાસ નિમિત્તે એક દિવસના મેળામાં અંદાજે ત્રણથી પાંચ લાખ જેટલી જનમેદની ઉમટે છે. ત્યારે પ્રદાન પરષોત્તમભાઈ સોલંકી દ્વારા છેલ્લા 23 વર્ષથી પ્રસાદી વિતરણનું આયોજન કરવામાં આવે છે.
નિષ્કલંક મહાદેવના પવિત્ર સ્થાન પર સમુદ્ર સ્નાન કરવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવે છે, ત્યારે પરષોત્તમભાઈ દ્વારા છેલ્લા 23 વર્ષથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે છ ટન જેટલો શીરો પ્રસાદી રૂપે બનાવવામાં આવ્યો છે. આશરે 1 લાખ જેટલા લોકો આ પ્રસાદીનો લાભ લે છે. જે રીતે બાર જ્યોતિર્લિંગનું મહત્વ છે તે રીતે નિષ્કલંક મહાદેવનું પણ અનેરું મહત્વ ગણવામાં આવે છે...દિવ્યેશ સોલંકી (પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર )
ભક્તોની આસ્થા અને નિષ્કલંકની લોકકથા : ભાવનગર નિષ્કલંક મહાદેવ ખાતે લાખોની જનમેદની ઉમટી પડી હતી, ત્યારે નિષ્કલંક આવેલા અમદાવાદના ગીતાબેન જણાવે છે કે તેઓ પ્રથમ વખત નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા છે. દરિયો પાછો જાય છે અને ભગવાનની બાદમાં પૂજા અર્ચના થાય છે. અમે પહેલી વખત જોયું કે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. લોકવાયકા પ્રમાણે પાંડવો જ્યારે પોતાનું હાડ ગાળવા માટે હિમાલય જવા માટે નીકળ્યા હતાં. ત્યારે ભાવનગરના કોળીયાક નજીક નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હતી. લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે પાંડવો પોતાના પાપ ધોવા માટે નીકળ્યા ત્યારે તેમના પાપો સંપૂર્ણ ધોવાઈ ગયા ત્યારે તેમના હાથમાં રહેલી કાળી ધજા સફેદ થઈ ગઈ હતી. આથી નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે.