ભાવનગર : ગુજરાત સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ગીતાના શ્લોકોનો સમાવેશ કર્યા બાદ હવે મરજિયાત રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં સૂર્ય નમસ્કારની સમજણ આવે અને તેના જીવનનો ભાગ બનાવે તે માટે સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. જો કે શાળાઓમાં સૂર્ય નમસ્કારથી મોટાભાગે વિદ્યાર્થીઓ વાકેફ હોતા નથી, ત્યારે સ્પર્ધાને કારણે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓ માટેની શહેરી અને જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના મહાનગરપાલિકાના વોર્ડ પ્રમાણે સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સૂર્ય નમસ્કારનું શહેરમાં અને જિલ્લામાં થતું આયોજન : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા હસ્તક અને જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની શાળા નંબર 47 ખાતે વોર્ડ પ્રમાણે સ્પર્ધાનું આયોજન કરાયું હતું,
આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમારા વોર્ડની તમામ શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીઓની સ્પર્ધાનું આયોજન કરાયું છે. સૂર્ય નમસ્કાર આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. જો કે વિદ્યાર્થીઓ તેનાથી મોટા ભાગે અજાણ હોય છે પરંતુ આજે યોજાયેલી સ્પર્ધામાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો...ભગવતીબેન બાલધીયા ( આચાર્ય, શાળા નંબર 47 )
વિદ્યાર્થીઓે સૂર્ય નમસ્કાર કેમ કરાય તેનાથી અજાણ : સૂર્ય નમસ્કારને લઈને દરેક લોકોના મુખે વાતો તો થતી હોય છે. પરંતુ સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય તેનાથી મોટાભાગે લોકો અજાણ રહેતા હોય છે, ત્યારે શાળાઓમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સૂર્ય નમસ્કારની વાતો વચ્ચે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય તેનાથી તેઓ અજાણ રહેતા હોય છે, ત્યારે સ્પર્ધામાં ભાગ લેનાર દવે ભક્તિએ જણાવ્યું હતું કે મને સૂર્ય નમસ્કારની ખબર નહોતી પણ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે ખબર પડી. જો કે સૂર્ય નમસ્કારને લઈને અમે ઘણા પુસ્તકો પણ વાંચ્યા અને બાદમાં મને શાળાના શિક્ષકો તરફથી પણ સમજણ આપવામાં આવી હતી.
સ્પર્ધા વચ્ચે સૂર્ય નમસ્કારની ચર્ચા : દરેક શાળાઓમાં સવારમાં શાળા શરૂ થતા જ પ્રાર્થનાઓ કરાવવામાં આવતી હોય છે તેમજ વર્ગખંડોના ટાઇમટેબલ પ્રમાણે સવારમાં કસરતો પણ કરાવવામાં આવે છે. જો કે રાજ્ય સરકાર દ્વારા જે રીતે અભ્યાસક્રમમાં ગીતાના શ્લોકોનો સમાવેશ થયો છે, ત્યારે સૂર્ય નમસ્કારનો પણ સમાવેશ થવાની ચર્ચા જાગી છે. જો કે આ બાબતે સ્પર્ધક રિદ્ધિ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તેઓ સૂર્ય નમસ્કારથી અજાણ હતી. મારી શાળામાં સ્પર્ધામાં ભાગ લીધા બાદ મને જાણ થઈ શાળાના શિક્ષક અને પુસ્તક પરથી મને ખ્યાલ આવ્યો સૂર્ય નમસ્કાર શું છે. જો કે દરેક બાળકોએ સૂર્ય નમસ્કાર શીખવા જોઈએ.