ભાવનગર : દિવાળી જેવો તહેવાર માથે છે અને સૌ કોઈ પોતાના પરિવારમાં નવા વર્ષમાં કમાણી કરીને ખુશી લાવવા માંગતું હોય છે. ત્યારે મુખ્ય બજારમાં પાથરણાવાળા અને લારીવાળાને દિવાળીના 10 દિવસમાં કમાણી કરવાનો મોકો હોય છે. જો કે આ લોકોને નથી પગાર કે નથી બોનસ તેવામાં હવે ભાવનગર મહાનગરપાલિકા રસ્તા ઉપર દબાણ હોવાનું કહીને તેમને હટાવી રહી છે. બીજી તરફ વેંડર ઝોન હોવા છતાં પાથરણાવાળા કે લારીવાળા તેનો લાભ ન લેતા હોવાનો કકળાટ મહાનગરપાલિકા કરી રહી છે. આ બંને વચ્ચેની માથાકૂટમાં હવે રાજકીય પક્ષ પણ મેદાનમાં આવી ગયાં છે.
ચાલવાની જગ્યા ન હોઈ ત્યાં મનપાનું પગલું : ભાવનગર શહેરની પીરછલ્લા શેરી એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્પર્શ કર્યા વગર ચાલી શકે નહીં તેવી ગીચતા જોવા મળે છે. જો કે તેની પાછળ પીરછલ્લા શેરી,વોરા બજાર, આંબા ચોક જેવા વિસ્તારોમાં પાથરણાવાળાઓ અને લારીવાળાએ રોકેલી જગ્યા કારણભૂત છે, ત્યારે મહાનગરપાલિકાએ દિવાળી જેવા તહેવારોમાં જ અચાનક કડકાઈ પૂર્વક કમિશનરે માથે રહીને દબાણ હટાવ્યું હતું. દબાણ હટાવતા રસ્તાઓ ખુલ્લા થઈ ગયા. પરંતુ ગરીબ લોકોની રોજી રોટી છીનવાતા શહેરમાં ભારે કકળાટ ઉભો થયો છે. જેની સીધી અસર ગરીબોના પેટ ઉપર પડી છે. વિવાદ વચ્ચેનો શું રસ્તો શોધવો તે માટે રાજકીય પક્ષોએ પણ દખલગીરી કરી દીધી છે.
કમિશનરનો સ્પષ્ટ જવાબ : ભાવનગરની મુખ્ય બજાર પીરછલ્લા, વોરા બજાર, આંબાચોક, ઘોઘાગેટ ચોક જેવા વિસ્તારોમાં રસ્તા ઉપર પાથરણા અને લારી લઈને ઉભેલા લોકોએ રોજી રોટી છીનવી હોવાનો કકળાટ કરતા કોંગ્રેસે તેમની સાથે રહીને ભાવનગર કમિશનરને રજૂઆત કરી દિવાળીના દિવસોમાં માનવતા દાખવી થોડી મંજૂરી દિવાળી નિમિતે આપવાની માંગ કરી લીધી છે. ત્યારે કમિશનર એન વી ઉપાધ્યાય જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર એટલે લારી લઈને ગલીએ ગલીએ ફરે તેને કહેવાય.
લોકોને ચાલવાની જગ્યા રોકીને રોજગારી મેળવવા માટે એવી કોઈ મંજૂરી આપી શકાય નહીં. આપણે અગાઉ પણ ફેરિયાઓ 10,000 નોંધેલા છે.જો કે અહીંયા પીરછલ્લા,આંબચોક,વોરાબજારમાં મળીને 100 થી 150 જેટલા પાથરણા અને લારીવાળાઓ હશે. જો કે તેમને વેન્ડર ઝોન આપેલો છે. પરંતુ તેમની કેટલીક જીદ અને હઠાગ્રહના કારણે તેઓ પોતે જ નિશ્ચિત કરેલી જગ્યા છોડવા માંગતા નથી. તે લોકો કહે તો અમે હજુ પણ વેન્ડર ઝોન આપવા તૈયાર છીએ... એન વી ઉપાધ્યાય (કમિશનર)
ગરીબોની રોજીરોટી અને અંદાજે કેટલો વર્ગ અને સ્થિતિ : ભાવનગર શહેરના મુખ્ય બજારની જો વાત કરવામાં આવે તો અંદાજે 500 જેટલા પાથરણા અને લારીવાળાઓ હશે. જો કે રોજની રોજીરોટી પાથરણા અને લારીવાળા મેળવે છે.ત્યારે શહેરમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં આંકડો પહોંચી શકે છે. મહાનગરપાલિકાના ચોપડે જ 10,000 ફેરિયાઓ તો નોંધાયેલા છે.
અમે ઘરમાં છ જણા છીએ. અમે રોડ ઉપર રંગોળી એવું વેચીએ છીએ. પાંચ રૂપિયા કોઈના લીધા હોય તો આપી શકીએ. પીરછલ્લામાં અમે બેસીને રંગોળીનો ધંધો કરીએ. કોઈના વ્યાજે પાંચથી 15 હજાર લાવીને પોતાનો ધંધો કરીએ છીએ અને કોઈને નડતા નથી. અમારી કમાણી મહિને પાંચથી દસ હજાર જેવી માંડ થતી હોય છે. જેમાં અમારું ઘર ચાલતું હોય છે...નીતાબેન (પાથરણાંવાળા)
પાથરણાંવાળાની વ્યથા : બીજા એક પાથરણાવાળા ટીનાબેને જણાવ્યું હતું કે હું રૂપમ ચોકમાં ગેટની બાજુમાં લીંબુ અને દીવા વેચું છું. બાર મહિના મારો ધંધો છે અને હું શાક બકાલું વેચું છું. મારે બે દીકરા અને હું રહું છું. મારા ઘરવાળા મૃત્યુ પામ્યા છે. મહિને બે થી ત્રણ હજાર કમાઈ લઉં છું એમાં પણ લેણાવાળા લઈ જાય છે. મારા ઘરવાળા મર્યા પછી. હવે શું કરીએ, કા માંગવા જઈએ, કા ચોરી કરીએ સરકાર કે ઇ કરીએ હવે.