ભાવનગર : ભાવનગરના ચકચારી ડમીકાંડમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને સત્ય બહાર લાવવાની કોશિશ કરી છે. ત્યારે તોડકાંડમાં પકડાયેલા મુખ્ય છ આરોપી પૈકીના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાને મુદત હોવાથી કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન યુવરાજસિંહે ફરી હૂંકાર ભર્યો હતો અને લડત આપવાની વાત કરી હતી.
શું છે તોડકાંડ અને આરોપીઓ : ભાવનગર ડમીકાંડને ખુલ્લુ પાડનાર યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે તોડકાંડ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તોડકાંડની ફરિયાદમાં એક કરોડનો તોડ થયો હોવાને પગલે છ જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. જેમાં મુખ્ય યુવરાજસિંહ જાડેજા તેના બે શાળા કાનભા અને શિવુભા, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને રાજુ મળીને કુલ છ શખ્સોની સામે ફરિયાદ નોંધાયા બાદ છને ઝડપી લેવામાં આવ્યા હતાં. જોકે એક બાદ એક જામીન અરજી ઉપર બહાર છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાની આજની મુદત હોવાથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
જેલના પટાંગણમાં યુવરાજસિંહ જાડેજાનો હૂંકાર : ભાવનગર શહેરના હાઇકોર્ટ રોડ ઉપર આવેલી ફાસ્ટટ્રેક કોર્ટમાં મુદત હોવાથી તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાને મુદત હોવાથી રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જેલમાં લઈ જવાના સમયે મીડિયાએ કરેલા સવાલોને પગલે ફરી યુવરાજસિંહ જાડેજા દ્વારા હસતાં મોઢે હૂંકાર ભરવામાં આવ્યો હતો.
અમારી સામે પોલીસે મજબૂત કેસ કર્યો છે. પણ અમે પણ મજબૂતાઈથી પુરાવા રજૂ કરશું, સમગ્ર ઘટનામાં હું ક્યાંય શામેલ નથી. પરંતુ હજી તો આ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે. હું બહાર આવીશ એટલે બધું તમારી સમક્ષ આવી જશે ત્યાં સુધી રાહ જુઓ...યુવરાજસિંહ જાડેજા(ડમીકાંડના આરોપી)
તોડકાંડમાં યુવરાજસિંહએ મુકેલી છે જામીન અરજી : ડમીકાંડને ખુલ્લુ પાડનાર યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં આરોપી બનવું પડ્યું છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાના સાળાઓ પાસેથી રોકડ રકમો પણ મળી આવી હોવાનું પોલીસે જાહેર કરેલું છે. તેવામાં યુવરાજસિંહજાડેજા ફરી જેલના પટાંગણમાં હૂંકાર ભરી રહ્યા છે. ત્યારે હાલમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે. જો કે આગામી સોમવારના રોજ તેમની જામીન અરજીના લઈને નિર્ણય આવી શકે છે. એવામાં યુવરાજસિંહ જાડેજાએ હૂંકાર ભરતા ફરી ડમીકાંડ અને તોડકાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.