ભાવનગર : દીકરી વહાલનો દરિયો કહેવાય છે તે અહીં સાર્થક થતું જોવા મળ્યું છે. ભાવનગરમાં આર્યકુળ કન્યા શાળાની દીકરીઓ એક ટીમ બનાવીને ઘરથી વ્યસન મુક્તિનું બીડું ઝડપ્યું હતું. જેમણે ઘરમાં પપ્પા,દાદા કાકા વગેરેને વ્યસન મુકત કરાવ્યા છે. હા, તેના માટે કોઈ દવા કે કશું નહીં પરંતુ માત્ર એક લાગણીની પ્રેમ ભાવનાની દવાએ લોકોને વ્યસન મુકત કરવામાં દીકરી સફળ રહી છે. પ્રશંશાની વાત એ પણ છે કે વ્યસન મુક્ત થતાં વધતા પૈસાને પણ સમાજના ઉત્થાનમાં વાપર્યા છે.
આર્યકુળ કન્યા શાળાની પછાત દીકરીઓનો જુસ્સો : ભાવનગર શહેરમાં આવેલી આર્યકુળ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા 8 મહિના પહેલા વ્યસન મુક્ત શાળા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીકરીઓનો આ પ્રોજેક્ટ શૈક્ષણિક ક્ષેત્રે ઝોન કક્ષાએ પણ સિદ્ધિ પામી જીત્યો છે. પરંતુ માત્ર પ્રોજેક્ટ હેતુ નહીં પરંતુ હકીકતમાં વ્યસનમુક્તિ સાર્થક થાય તે હેતુ 30 જેટલી દીકરીઓ વ્યસન મુક્તિનો પ્રારંભ પોતાના ઘરથી કર્યો હતો. ત્યારબાદ નાગરિકોમાં પણ વ્યસન મુક્તિ માટે અનેક પગલાં ભર્યા છે.
શૈક્ષણિક કિટ આપતી વિદ્યાર્થીનીઓ ખુદ પછાત વર્ગની : આર્યકુળ કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ ખુદ પછાત વિસ્તારમાંથી આવે છે અને તેના પરિવારને આર્થિક મદદરૂપની જરૂરિયાત હોય તેવા પરિવારમાંથી આવે છે. આમ છતાં તેઓ વ્યસનમુક્તિ માટે મેદાનમાં છે, ત્યારે આર્યકૂળ કન્યા શાળાના આચાર્ય ચંદ્રિકાબેન ચૌહાણે જણાવ્યું હતું કે અમારી ત્રીસ જેટલી દીકરીઓએ નાગરિકો અને ઘરના સભ્યોને લાગણી પ્રેમથી સમજાવ્યા છે.
દીકરીની લાગણીને માન આપીને પરિવારના સભ્યો વ્યસન મુક્ત થયા છે. જે વ્યસનની રકમ વધી તેમાંથી ગરીબોને ભોજન, શૈક્ષણિક કીટ, ગાયોને ઘાસચારો, વૃદ્ધાશ્રમમાં દાન વગેરે જેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે હવે આ 30માંથી 60 જેટલી દીકરીઓ બની ગઈ છે. માસિક 40 હજારનો ખર્ચ હાલ સુધીનો અનેક પરિવારનો મળીને મહિને બચાવ્યો છે...ચંદ્રિકાબેન ચૌહાણ ( આચાર્ય, આર્યકૂળ કન્યા શાળા )
વ્યસન મુક્તિ કરાવતી દીકરીઓ અને ઘરના સભ્યો શું કહે છે : આર્યકુળ કન્યા વિદ્યાલયની વ્યસન મુક્તિ શાળા પ્રોજેક્ટના ભાગરૂપે ફરજ બજાવતી જાનવી જોશીએ જણાવ્યું હતું કે મેં મારા ઘરમાંથી મારા મોટા પપ્પા અનિલભાઈ જોશીને માવાનું વ્યસન હતું જે છોડાવ્યું છે. તેમને મેં વિનંતી કરી છે અને તેમના ધીરે ધીરે વ્યસન મુક્ત થઈ રહ્યાં છે અને તેમાંથી જે બચત કરી છે તેમાંથી અમે ગૌશાળામાં દાન કર્યું છે. જ્યારે અન્ય એક વ્યસન મુક્ત પરિવારના સભ્ય પ્રભાતબા ચૂડાસમાએ જણાવ્યું હતું કે ધ્રુવાબા ચુડાસમા મારી દીકરીએ તેના પપ્પાને માવાનું વ્યસન છોડાવ્યું છે. તેમાંથી જે બચત થાય તેનાથી અમે તેને પૈસા આપીએ છીએ અને ઘાસચારો તેમજ કીડીયારું જેવા પુણ્યના કાર્ય કરીને સંતોષ માની રહ્યા છીએ. આ બધી દીકરીઓ દરેક ઘરમાં વ્યસન છોડાવે તેવા આશીર્વાદ છે.