ભાવનગર : મહિલા રણચંડી બની છે, હા આ શબ્દ એટલા માટે કે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કિરણ કવિ દ્વારા જાહેર કરાયેલા આંદોલનને ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘે ટેકો આપીને પ્રથમ દિવસે હડતાલ સફળ બનાવી છે. જોકે આંગણવાડી મહિલા કર્મચારીઓના આખરે શું પ્રશ્ન અને સમસ્યા છે, જાણો વિગતવાર
અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ : ભાવનગર શહેરમાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 27 ઓક્ટોબરથી હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. જેનું ચુસ્ત પાલન આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ નેહલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજે હડતાલનો પહેલો દિવસ હતો. અમને પણ હડતાલ નહોતી કરવી કારણ કે અમને પણ નથી ગમતું હોતું કે અમારી કામગીરી અટકે, પરંતુ નછૂટકે બહેનોના પ્રશ્નો ઉભા કરવા પડ્યા છે. હવે સરકારે નક્કી કરવાનું છે ન્યાયિક માંગણી સ્વીકારી લે અને અમે હડતાલને સમેટી લઈએ.
કાર્યકર બહેનોને 10,000 વેતન અને તેડાગર બહેનોને 5.000 વેતન આપવામાં આવે છે. જોકે 10 અને 5 હજારમાં કર્મચારીઓથી પણ વધારે કામ કરાવવામાં આવે છે. બધી જ બહેનો માનસિક રીતે તૂટી જાય એટલું કામ કરાવે છે. -- ઉર્વીબેન અંજવાળીયા (આંગણવાડી કાર્યકર)
આંગણવાડી કાર્યકરોની વ્યથા : સમગ્ર રાજ્યની સાથે ભાવનગર શહેરમાં પણ આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાલને સફળ બનાવવામાં આવી હતી. ત્યારે આંગણવાડી કાર્યકર પૂર્વીબેન અંજવાળીયાએ જણાવ્યું હતું કે, આ આંદોલન છે તે કિરણ કવિ સાહેબે જાહેર કર્યું છે. જેમાં અમે જોડાયા છીએ. અમારા પડતર પ્રશ્નોનો નિકાલ આવતો નથી. અમારી બઢતીના પ્રશ્નો છે, વિવિધ સરકારની કામગીરી કરાવે તેનું વેતન તેમજ માનદ વેતનમાંથી કાઢી વ્યવસ્થિત વેતન કરવામાં આવે વગેરે જેવા પ્રશ્નોના નિરાકરણ થતું નથી.
અમને પણ હડતાલ નહોતી કરવી, અમને પણ નથી ગમતું હોતું કે અમારી કામગીરી અટકે, પરંતુ નછૂટકે બહેનોએ માંગ માટે ઉભા રહેવું પડ્યું છે. હવે સરકારે નક્કી કરવાનું છે. - નેહલબેન સોલંકી (પ્રમુખ, આંગણવાડી કર્મચારી સંઘ-ભાવનગર)
કાર્યકર બહેનો દ્વારા તંત્ર પર આક્ષેપ : તંત્ર પર આક્ષેપ કરતા આંગણવાડી કાર્યકરે કહ્યું હતું કે, ભાવનગર શહેરમાં 700 જેટલા અને જિલ્લામાં 3000 જેટલા આંગણવાડી કાર્યકર બહેનો છે. જેમાં કાર્યકર બહેનોને 10,000 વેતન અને તેડાગર બહેનોને 5,000 વેતન આપવામાં આવે છે. જોકે 10 અને 5 હજારમાં કર્મચારીઓથી પણ વધારે કામ કરાવવામાં આવે છે. બધી જ બહેનો માનસિક રીતે તૂટી જાય એટલું કામ કરાવે છે.
આંગણવાડી કર્મચારીઓની માંગ : ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાલને પગલે કામગીરીથી અળગા રહીને આંગણવાડી બહેનોએ રણચંડીનું રૂપ દર્શાવી દીધું છે. ત્યારે જિલ્લા કર્મચારી સંઘના પ્રમુખ નેહલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનોને ફોન આપવામાં આવ્યા હતા. પરંતુ સરખી રીતે કામગીરી નહીં કરતા ઘણી આંગણવાડી બહેનોએ નછૂટકે પોતાના ફોન પરથી કામગીરી કરવી પડી રહી છે. આ સાથે અનેક બહેનો ટેકનોલોજીથી શિક્ષિત નહીં હોવાથી તેમને શીખવામાં સમય લાગે છે. થોડું શીખે ત્યાં બીજું અપડેટ વર્ઝન આવી જાય છે. ત્યારે અમારી માંગ છે કે, આ કામગીરી ઓનલાઈન કરવામાં આવે અને આંગણવાડી મહિલા બહેનોના પ્રશ્નો હલ કરવામાં આવે.