ભાવનગર : નાના બાળકોને ચોકલેટ અને પીપરમેન્ટ સરળતાથી લોકો અપાવી દેતા હોય છે. પરંતુ ભાવનગરમાં 2016 માં આરોગ્ય વિભાગે ચોકલેટના લીધેલા સેમ્પલ ફેલ ગયાં હતાં. જેને પગલે હવે આગળ કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદા મુજબ ચોકલેટમાં લેક્ટિક એસિડ હોવું જોઈએ નહીં આમ છતાં પણ રિપોર્ટમાં બહાર આવ્યું કે ચોકલેટમાં લેક્ટિક એસિડ છે. જો કે કાર્યવાહી થઈ છે પરંતુ માતાપિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 16/4/ 2016 ના રોજ સીન્ટુ ઇમલી પાચકના 448 ગ્રામ પેકેજમાંથી નમૂનાઓ લઈને રાજકોટ ખાતેની સરકારી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે આ ચોકલેટનો નમુનો 18/4/ 2016 ના રોજ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ 10/05/2016 ના રોજ આવ્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. આવેલા રિપોર્ટમાં સીન્ટુ ઇમલી પાચક ચોકલેટમાં લેક્ટિક એસિડ મળી આવ્યું હતું. જ્યારે નિયમ પ્રમાણે લેક્ટિક એસિડ હોવું જોઈએ નહીં. આથી તેને UNSAFE તરીકે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવા લેખિતમાં જણાવતા 13/04/2017માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો... આર કે સિન્હા ( આરોગ્ય વિભાગના અધિકારી )
ક્યાંની કમ્પની અને હાલમાં શું થઇ કાર્યવાહી : સીન્ટુ ઇમલી પાચક ચોકલેટમાં લેક્ટિક એસિડ મળી આવ્યા બાદ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફોજદારી ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. આથી ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સીન્ટુ ઇમલી પાચક ચોકલેટ બનાવતી હૈદરાબાદની પ્રયોગ ન્યુટ્રી પ્રોડક્ટ લિમિટેડ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આ કેસ ભાવનગર કોર્ટમાં શરૂ થયો છે તેમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું.
લેક્ટિક એસિડથી શરીરમાં શું નુકશાન : લેક્ટિક એસિડને પગલે શરીરમાં મોટા પાયે નુકસાન થતું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિન્હા જણાવ્યું હતું કે ચોકલેટમાં લેક્ટિક એસિડ હોવું જોઈએ નહીં. પરંતુ અહીંયા મળી આવ્યું છે. લેક્ટિક એસિડથી પાચનતંત્રને ભારે નુકસાન થાય છે. હવે સમજી શકાય છે કે જો નાના બાળકો આ પ્રકારની ચોકલેટને આરોગે તો તેનું પાચનતંત્ર જરૂર નબળું પડે છે અને બાળક કુપોષિત તરફ ધકેલાઈ શકે છે. આમ રાષ્ટ્રીય કક્ષાએ ચોકલેટ બનાવતી કંપનીના બેજવાબદારીભર્યા વ્યાપારને પગલે આજની ભારતની ઊગતી પેઢીને જરૂર પતન તરફ ધકેલે છે. જો કે આર કે સિન્હા સાથે એમ પણ જણાવ્યું હતું કે આ ગુનો સાબિત થાય તો છ માસ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડ થઈ શકે છે.