ભાવનગર: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભાવનગર જિલ્લામાં 2 ઓગસ્ટના રોજ 72 કોરોના કેસ સામે આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બતાવે છે કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક 2 નો પ્રારંભ થયો હોવા છતાં કેસની સંખ્યા વધી રહી છે.
ભાવનગર જિલ્લામાં કેસની કુલ સંખ્યા 1,491 પહોંચી છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. 2 ઓગસ્ટના દિવસે 46 કેસ સાંજ સુધીમાં શહેરમાં અને જિલ્લામાં 26 નોંધાઇ ચુક્યા છે. નામ જાહેર ન કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામ જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. પહેેેલા 26 આવેલા કેસમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી. લોકોની માગ છે કે, નામ જાહેર કરે તો બીજા લોકો જાગૃત રહી શકે. ભાવનગર સર.ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1000 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 28 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 457 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે.
ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.