ભાવનગરઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો એક સમયે જમાનો હતો. ભારતનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આજે પોતાની શાન ગુમાવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યા ઘટી રહી છે. જેના પરિણામે શિપ બ્રેકિંગ ક્ષેત્રમાં બાંગ્લાદેશ અને તુર્કી જેવા દેશો ભારતથી આગળ નીકળી ગયા છે. દર વર્ષે જહાજોની સંખ્યા ઘટવાથી શિપ બ્રેકિંગ એસોસિયેશન ચિંતામાં છે.
સતત પાંચ વર્ષથી ઘટતો ક્રમઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં છેલ્લા સતત પાંચ વર્ષથી જહાજો ઘટી રહ્યા છે. વર્ષ 2018માં 219, વર્ષ 2020માં 202, વર્ષ 2021માં 189, વર્ષ 2022માં 131 અને હવે વર્ષ 2023માં માત્ર 81 જહાજ બ્રેકિંગ માટે આવ્યા છે. 2023માં આવેલ જહાજનો આંકડો કદાચ સૌથી નિમ્નત્તમ આંકડાનો રેકોર્ડ બનાવશે. જ્યારે સૌથી વધુ જહાજ વર્ષ 2011માં કુલ 415 આવ્યા હતા. વિશ્વ કક્ષાએ જોઈએ તો આ વર્ષે 111 જહાજ અલગ અલગ દેશમાં શિપ બ્રેકિંગ યાર્ડમાં પહોંચ્યા છે. જેમાં બાંગ્લાદેશમાં 54, તુર્કીમાં 14, ભારતમાં 29 અને પાકિસ્તાનમાં 5 જહાજ ગયા છે.
BIS કાયદોઃ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS)નો કાયદો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે અભિશાપ સાબિત થયો છે. વિશ્વના અન્ય દેશોના શિપ બ્રેકિંગમાં આપણા કરતા આગળ છે તેની સામે હરીફાઈમાં ટકવા BIS કાયદામાં ફેરફાર કરવાની ખૂબ જરૂરિયાત છે. અગાઉ જહાજ તુટ્યા બાદ તેના લોખંડમાંથી સ્થાનિક રોલિંગ મિલો અને યાર્ડમાં સળિયા ઉપરાંત પાઈપ, પટ્ટી અને એન્ગલ બનાવવામાં આવતા હતા. હવે BIS કાયદા અનુસાર સળિયા બનાવી શકાય નહીં. આ મુદ્દે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તરફથી કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરાઈ છે. અગાઉ અહીં જહાજ તુટતા જ અને અહીની જ રોલિંગ મિલોમાં લોખંડની પ્લેટમાંથી પાઈપ, પટ્ટી, એન્ગલ ઉપરાંત સળિયા પણ બનતા હતા તેથી શિપ બ્રેકરને ફાયદો થતો હતો. જે હવે BIS કાયદા અનુસાર પ્રતિબંધિત છે. આ કાયદાને લઈને શિપ બ્રેકર્સને આર્થિક નુકસાન વેઠવું પડે છે. હવે શિપ બ્રેકર્સ શિપ તોડવા માટે લેતા પહેલા અચકાય છે. તેથી BIS કાયદામાં સુધારો વધારો થાય તો જ મૃતપ્રાય બનેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને નવજીવન મળી શકે તેમ છે.
અમને રાજ્ય સરકારનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. અમે કેન્દ્ર સરકારમાં BIS કાયદામાં સુધારા વધારા કરવા રજૂઆતો કરી છે. BISની ટીમ અહીં 2થી 3 વખત મુલાકાત પણ લઈ ચૂકી છે. મરિન નિયમ પ્રમાણે જહાજનું લોખંડ બહુ મજબૂત હોય છે. તેમાંથી બનતા સળિયા પણ બહુ મજબૂત હોય છે. જો કેન્દ્ર સરકાર દ્વારા BIS કાયદામાં સુધારો કરવામાં આવે તો જ અંલગ શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ કક્ષાની હરિફાઈમાં ટકી શકે તેમ છે...રમેશ મેંદપરા(પ્રમુખ, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, ભાવનગર)