ભાવનગર જિલ્લાના બોટાદ, પાળીયાદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં ભાલ પંથકમાં આવેલા સવાઈનગર, મિઠાપર, સનેસ, માઢીયા, ખેતાખાટલી સહિતના ગામડાઓમાં પાણીની ભારે આવકના કારણે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. રવિવાર સવારથી જ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં મુખ્ય હાઈવે તોડીને પાણી દરિયામાં વહાવી દેવા ભગીરથ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. ભાલ પંથકમાં નીતી નિયમો નેવે મુકીને ચોમાસા પૂર્વ ખારાપાટમાં બનાવવામાં આવેલા મીઠાના અગરો-પાળાઓ પાણી નિકાલ માટે મોટી સમસ્યા સર્જી રહ્યા છે. તંત્ર એ રોડ તો તોડ્યો, પરંતુ પાળાઓ અકબંધ હોવાથી પાણી કાઢવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાય રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોનો સર્વે કરી પૂર પિડીતોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. છેલ્લા બે દિવસથી ભાવનગર-અમદાવાદ-વડોદરા વચ્ચેનું સંપર્ક કપાઈ જતાં ટ્રાફિક યાતાયાતને માઠી અસર પડી છે. હાલ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક આવેલ નિરમા ચોકડી પાસે રોડ તોડી પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ થાળી પડતાં હજુ સમય લાગશે કારણ કે, ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે કેરી અને વેગડ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તેથી આ પરિસ્થિતિના કારણે ભાલમાં વસેલા ગામડાઓની સ્થિતિ વણસી રહી છે. જો કે, તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ તાત્કાલિક લેવામાં આવી રહ્યા છે.