ભાવનગર : હાલમાં ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે અને હવે રવિ પાક એટલે કે શિયાળુ પાકના વાવેતરનો પ્રારંભ થવાનો છે. જિલ્લામાં સારા એવા વરસાદના પગલે મોટાભાગના ડેમ ભરાયેલા છે. તેમ છતાં ભાવનગર ખેતીવાડી વિભાગ દ્વારા આગામી રવિ પાકને લઈને વાવેતર ઓછું થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જોકે તેની પાછળના કારણો પણ ખેતીવાડી અધિકારીએ દર્શાવ્યા હતા. જિલ્લામાં ડેમોની સ્થિતિ કેવી છે અને સિંચાઈ માટે પાણી મળશે કે કેમ ? જાણો
રવિ પાકનું વાવેતર : ભાવનગર જિલ્લામાં હાલમાં ખરીફ પાકની સીઝન પૂર્ણ થયા બાદ તેની કાપણીની કામગીરી ખેતરોમાં ચાલુ છે. ત્યારે થોડા દિવસ બાદ રવિ પાકના વાવેતરનો પ્રારંભ થવાની પૂરી શક્યતા છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે રવિ પાકનું વાવેતર ઓછું થવાની શક્યતા છે. કારણ કે તળમાં પાણી ઘટી ગયા છે તેમ ખેતીવાડી અધિકારી એ. એમ. પટેલે જણાવ્યું હતું.
ડુંગળીનું વાવેતર : ભાવનગર જિલ્લામાં ગત વર્ષ 2022-23 અંગે જો વાત કરવામાં આવે તો રવિ પાકમાં 1.15 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થયું હતું. ડુંગળીનું 31,178 હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યારબાદ પિયત ઘઉં 22,207 હેક્ટર અને ઘઉં બિનપીયત 502 હેક્ટર મળીને કુલ 22,709 હેક્ટરમાં વાવેતર ઘઉંનું થયું હતું.
જિલ્લામાં કુલ વાવેતર : જિલ્લાના 10 તાલુકા પૈકી સૌથી વધુ વાવેતર જેસરમાં 10,221 હેકટર અને મહુવામાં 24,237 હેક્ટર એમ કુલ હેક્ટરમાંથી 12,540 ડુંગળીનું વાવેતર હતું. જ્યારે તળાજામાં 36,677 હેક્ટરમાંથી 10,461 ડુંગળીનું વાવેતર હતું. ઘોઘામાં ડુંગળી 2390 હેક્ટર અને ભાવનગર 2288 હેકટરમાં ડુંગળીનું ખાલી વાવેતર હતું. આમ સાથે અન્ય વિવિધ પાકોનું પણ વાવેતર થયું હતું. તેમાં ડુંગળી મોખરે હતી. જ્યારે અન્ય તાલુકાઓમાં માત્ર બે થી આઠ હજાર હેક્ટર વાવેતર થયું હતું.
ભાવનગર જિલ્લાના ડેમોની સ્થિતિ | ||
ડેમ | ઓવરફ્લો (મી) | હાલની સપાટી (મીટર) |
શેત્રુંજી | 55.53 | 55.53 |
રજાવળ | 56.75 | 52.60 |
ખારો | 54.12 | 53.05 |
માલણ | 104.25 | 103.19 |
રંઘોળા | 62.50 | 62.11 |
લાખણકા | 44.22 | 43.30 |
હમીરપરા | 87.80 | 86.10 |
હણોલ | 90.10 | 88.90 |
બગડ | 60.41 | 60.26 |
રોજકી | 99.06 | 99.05 |
જસપરા(માં) | 40.25 | 31.65 |
પિંગળી | 51.30 | 50.30 |
ડેમની સ્થિતિ અને પાણીની આવક : ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાના સિઝનનો વરસાદ 500 mm કરતાં વધારે નોંધાઈ ચૂક્યો છે. 100 ટકા વરસાદ હોવાના પગલે જિલ્લાના 13 જેટલા ડેમમાં પાણીની સંપૂર્ણ આવક થઈ છે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, ત્યારે સિંચાઈ અધિકારી એ. એમ. બાલધીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં 13 ડેમ આવેલા છે. શેત્રુંજી ડેમ 98 ટકા ભરાયેલો છે. સિંચાઈ માટે પાણીની માંગણી કરવામાં આવશે તો આપવામાં આવશે.
જિલ્લામાં સિંચાઈ વ્યવસ્થા : શેત્રુંજી કેનાલથી પાલીતાણા, મહુવા તળાજા અને ભાવનગરના તાલુકાના ગામડાઓને સિંચાઈ યોજના મારફત પાણી સિંચાઈ માટે મળી શકશે. જ્યારે જિલ્લામાં મહુવામાં બગડ, રોજકી અને માલણ ડેમ છે, તેમજ રંઘોળા ડેમ પણ ભરાયેલો છે. તેમાંથી પણ પાણી માંગવામાં આવશે તો સિંચાઈ માટે તો પૂરતી વ્યવસ્થા છે. આમ રવિ પાક માટે સિંચાઈની પાણીની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેનો લાભ ખેડૂતો લઈ શકે છે.