ભાવનગર: જિલ્લાના 10 તાલુકા પૈકી પાંચ તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે જિલ્લામાં વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે મેઘરાજાની સમયસર પધરામણી અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વહેતી થઈ હતી.
બે દિવસ બાદ વરસાદની એન્ટ્રીથી આનંદ: ભાવનગરવાસીઓ બે દિવસ પહેલા આવેલા વરસાદ પછી રોજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે બાફરાને ઝેલી રહ્યા હતા. ઘરમાં પંખા નીચે રહેવું મુશ્કેલ બન્યું હતું ત્યારે મંગળવાર બપોર 2 કલાક બાદ વાતાવરણ બદલાયું હતું. કાળા ડિબાંગ વાદળો ગાજવીજ સાથે ધસી આવ્યા હતા. 2.30 કલાક બાદ સમગ્ર શહેરમાં ધીરે ધીરે ધીમી ધારે વરસાદ વરસવાની શરુઆત થઈ હતી. ધીમીધારે વરસતો વરસાદ ગણતરીની મિનિટોમાં રોદ્ર રૂપ લીધું હોય તેમ અનરાધાર વરસવા લાગ્યો હતો. જો કે અનરાધાર વરસાદથી બફારામાંથી લોકોને રાહત મળી હતી.
પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે શહેર પાણી-પાણી: મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે 1.20 કરોડ જેવી રકમ પ્રી મોન્સૂન કામગીરી માટે ફાળવી છે. છેલ્લા એક મહિનાથી મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી પણ રહ્યું છે. મહાનગરપાલિકાએ 1.20 કરોડમાંથી 70 થી 80 લાખ જેવી રકમ ખર્ચ પણ કરી નાખી છે તેમ ડ્રેનેજ વિભાગના અધિકારી ઝાપડીયાએ જણાવ્યું હતું. સવાલ એક જ છે કે વરસાદ ધોધમાર વરસતા ડ્રેનેજ કે સ્ટોર્મ લાઇન મારફત પાણીનો નિકાલ તાત્કાલિક કેમ થતો નથી. મંગળવારના ધોધમાર વરસાદના પાગલ દરેક રસ્તાઓ પાણીમાં મોટાભાગના જોવા મળતા હતા. સ્ટેશન રોડ, કુંભારવાડા, શાસ્ત્રીનગર વગેરે જેવા વિસ્તારોમાં પાણી વરસાદ થંભી ગયા બાદ પણ નિકાલ તાત્કાલિક થયો ન હતો.
ક્યાં કેટલો પડ્યો વરસાદ?: ભાવનગર જિલ્લામાં 10 તાલુકા પૈકી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો વાત કરવામાં આવે તો વલભીપુર 62 mm, ઉમરાળા 12mm, ભાવનગર 31 mm, ઘોઘા 63mm અને મહુવા 45mm વરસાદ નોંધાયો છે. અન્ય પાંચ તાલુકામાં બેથી સાત mm વરસાદ નોંધાયો છે. આમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકા માટે આશીર્વાદરૂપ રહી હતી. ભાવનગર જિલ્લામાં પાંચ તાલુકામાં થયેલો વરસાદ અડધો ઇંચથી લઈને અઢી ઇંચ સુધી જિલ્લામાં નોંધાયો છે. નદી નાળાઓ વહેતા થયા છે.