- પાલીતાણા ભૈરવનાથ મંદિરે કાળી ચૌદશના પર્વે યોજાયો હવન
- મુખ્યપ્રધાન આ વર્ષે કોરોનાના કારણે ઉપસ્થિત રહ્યા નથી
- પૂજન, હવન અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા
ભાવનગરઃ પાલીતાણાના ક્ષેત્રપાલ એવા કાળભૈરવ દાદાના મંદિરે આજે શુક્રવારે કાળી ચૌદશના પર્વે પરંપરાગત પૂજન, હવન અને મહાઆરતીની વિધિ યોજાય હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વર્ષોથી આ દિવસે હવનમાં જોડાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે તે ઉપસ્થિત રહ્યા નથી.
કાળભૈરવ દાદાનું પૂજન અને હવનનો કાર્યક્રમ યોજાયો
પાલીતાણા ભૈરવનાથ મંદિરે આજે કાળીચૌદશના પાવન પર્વે કાળભૈરવ દાદાનું પૂજન અને હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદિર પરિસરમાં વિશિષ્ટ હવનકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના ક્ષેત્રપાલ એવા કાળભૈરવના દર્શનાર્થે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. વર્ષોથી આજના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીંયા હવન,પૂજન અને મહાઆરતીમાં ઉપસ્થિત રહે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે તે પાલીતાણા ખાતે ઉપસ્થિત રહ્યા નથી.
લોકોએ હવન દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું
કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું સંપૂર્ણ પાલન કરી લોકોએ હવન,પૂજન અને મહાઆરતીનો લાભ લીધો હતો, જ્યારે કાળભૈરવ મંદિરના મહંત રમેશ શુક્લ દ્વારા આ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.