- જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ વધી ગયા
- સરકારના આંકડા અને ગામમાં બનતા કેસ વચ્ચેના આંકડામાં ફરક
- મહુવામાં 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન થશે
ભાવનગર : જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ વધી ગયા છે. સરકારના આંકડા અને ગામમાં બનતા કેસ વચ્ચેના આંકડામાં ફરક આવે છે. સરકારના આંકડા ઓછા આવતા હોય છે. પરંતુ ગામમાં નજરે ચડતા કોરોનાના કેસ અસંખ્ય દેખાય છે. મહુવામાં ઘરે-ઘરે કોરોનાના કેસ જોવા મળે છે. અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.
મહુવામાં રોજના 8થી 10 મોત, સરકારી ચોપડે આંક શૂન્ય
મહુવામાં લગભગ રોજના 8થી 10 મોત થાય છે. પરંતુ સરકારી ચોપડે આંક શૂન્ય હોય છે. આમ, લોકોને ઓન પેપર કોઈ માહિતી મળતી નથી. પરંતુ નાના ગામમાં લોકોને જલ્દી ખબર પડી જાય છે. આજે એટલા જણાને કોરોના પોઝિટિવ આવ્યો અને આજે એટલા સ્મશાનમાં જતા કોરોનાવાળા રથ મળ્યા લોકો આ બધું જોઈને જાગૃત થઇ ગયા છે.
આ પણ વાંચો : બાલાસિનોરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉન
લોકો બિહામણા દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા
લોકો આ બિહામણા દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા છે અને બજારમાં પણ સોપો પડી ગયો છે. બજારમાં ક્યાંય ઘરાકી નથી. લગ્નોની તારીખો આવી હતી. પરંતુ નિયમો કડક બનતા લગ્નો પણ કેન્સલ થવા લાગ્યા છે. ત્યારે મહુવાના વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમાં મહુવા નગરપાલિકા અને ચેમ્બરે પણ જોડાઈને સહકાર આપવાની વાત કરી છે.
આ પણ વાંચો : રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન, પાલિકાએ શહેરને સેનિટાઇઝ કર્યુ
પત્રકારો દ્વારા સાચી લોકજાગૃતિ લાવીને વેપારીઓને સમજાવમાં આવ્યા
મહુવા પત્રકાર સંઘ પણ લોકજાગૃતિ માટે પ્રમુખની આગેવાનીમાં બજારોમાં ફરીને દરેકને વિનંતી કરી રહ્યા હતા. તમે સમજો તમે હશો તો વેપાર તો ગમે ત્યારે થશે. તેથી દુકાનો થોડા દિવસ બંધ રાખો. આમ પત્રકારો દ્વારા સાચી લોકજાગૃતિ લાવીને વેપારીઓને સમજાવતાં વેપારીઓ પણ સહમત થયા હતા. આખરે નક્કી કરાયું છે કે, ગુરુવારથી સોમવાર સવાર સુધી લોકડાઉન કરવું જોઇએ.
મહુવામાં જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ ધંધા-રોજગારો 5 દિવસ બંધ
મહુવામાં આવશ્યક વસ્તુ સિવાયના તમામ ધંધા-રોજગારો 5 દિવસ બંધ રહેશે. આ સ્વયંભૂ લોકડાઉનને સરકારી તંત્ર જેમ કે, ડેપ્યૂટી કલેક્ટર વલવાઈ સાહેબ અને મહુવાના PI ઝાલા સાહેબે પણ સહકાર આપવા બાહેનધરી આપી છે.