ભાવનગર: ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા વધુ ત્રણ કાળિયારોને કુતરાઓએ ફાડી ખાધા છે. માત્ર 5 દિવસના સમયમાં કુલ 22 કાળિયારોના મોત થયા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વલ્લભીપુર તાલુકાના સવાઈનગર ગામની સીમમાં ભરાયેલા પુરના પાણીમાં ફસાયેલા ત્રણ કાળિયારોને કુતરાઓએ ફાડી ખાધા છે.
ભાલ પંથકમાં આવેલા ભયાનક પુરના કારણે સજાયેલી તબાહીની તસ્વીરો પુરના પાણી ધીમે ધીમે ઓસરતા એક બાદ એક સામે આવી રહી છે. રવિવારે ભાવનગર શહેરની હદ હેઠળ આવતા ઉંડવી, કરદેજ ગામની સીમમાં પુરના પાણીમાં વન વિભાગે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાંથી કંકાલ હાલતમાં નવ કાળિયારોના મૃતદેહ મળ્યા હતા. ત્રણને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને હજુ પણ ભાલ પંથકમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. સવાઈનગર ગામની સીમમાં કુતરાઓએ ફાડી ખાધેલી હાલતમાં વધુ ત્રણ કાળિયારોના મૃતદેહ મળ્યા હતા.
ભાવનગર વન વિભાગે ભાલ પંથક અને ભાવનગરની ભાગોળે કે, જયાં પુરના પાણી ભરાય છે. તેવા વિસ્તારમાં ફોરેસ્ટસ તથા બિટગાર્ડનો મોટો કાફલો ઉતારી રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.