ભાવનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ગત વર્ષની સરખામણી કરતા વધુ વરસાદ વરસતા શહેરીજનો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 115% જેટલો વરસાદ વરસી ગયા બાદ પણ ભાવનગર જિલ્લાનાં 13 ડેમોમાં પાણીની આવક નહીવત થઇ હોવાનું જોવા મળી રહ્યું છે .
જિલ્લામાં આવેલ 13 ડેમોમાં પાણીની જો વાત કરવામાં આવે તો માત્ર 6 ડેમો માં 25% પાણી આવક જોવા મળી રહી છે. તો બાકીનાં 7 ડેમોમાં માત્ર કહેવા પુરતી જ પાણીની આવક થઇ રહી છે. ભાવનગર જિલ્લાનાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હાલ પાણી 40% જેટલી સપાટી હોય જે માત્ર પીવાના પાણીનાં ઉપયોગમાં લઇ શકાય તેટલી છે.
તેમજ જો આ ડેમમાં 50% જેટલી સપાટી હોય તોજ ખેડૂતોને સિચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. હાલ ડેમમાં પાણીની આવક નહીવત હોવાના કારણે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં લીધે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણી કેનાલ મારફતે ડેમો ભરવામાં આવી રહ્યા છે. તેમાં ભાવનગર જિલ્લાનાં શેત્રુંજી ડેમને પણ આવરી લઈને છેલ્લા પાંચ દિવસથી 350 કયુસેક પાણીની આવકથી ભરવામાં આવી રહ્યો છે.