ભરૂચઃ ભરૂચમાં કોરોના ગાઈડલાઈન્સનું ખુલ્લેઆમ થતા ઉલ્લંઘન પર કોઈ અધિકારીનું ધ્યાન ન ગયું તે આશ્ચર્યની વાત છે. સરકાર દ્વારા દેશભરમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે મોટા મોટા કેમ્પેઈન, જાહેરાતો, જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ આ જ ગાઈડલાઈનનું પાલન સરકારી કચેરીમાં જ નથી થતું. ભરૂચ કલેક્ટર કચેરીમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો હતો.
ભરૂચ કલેક્ટર કચેરીમાં કામ માટે આવતા લોકો કોરોના ગાઈડ લાઈનને ઘોળીને પી ગયા છે, તેવું સ્પષ્ટ દેખાયું હતું. જોકે જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ હોવાથી લોકોને લાઈનમાં ઊભા રહેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે લાઈન ઉપર નજર ગઈ તો એક પણ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહતું કર્યું. જોકે નવાઈની વાત એ છે કે આ દ્રશ્યો તરફ કોઈ પણ સરકારી અધિકારીનું ધ્યાન ન ગયું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ સરકારી કચેરીઓમાં કોરોના સુરક્ષા માટે તકેદારીના શપથ લેવડાવ્યા હતા. પરંતુ 24 કલાકમાં જ લેવડાવેલી શપથને ભૂલી જવામાં આવી હતી. ભરૂચમાં હાલમાં કોરોના પોઝિટિવના કેસ 2400ને પાર થઈ ચૂક્યા છે તેમ છતાં લોકો કોરોનાની ગંભીરતાને સમજી નથી રહ્યા.