ભરૂચ : ઝઘડિયા તાલુકામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોરખપુર વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરોને સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયોમાં દીપડાનું બચ્ચું વેચવાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેનો કનેક્શન ગુજરાતના ભરૂચ જીલ્લાના ઝઘડિયા સુધી પહોંચ્યા હતા. ઝઘડિયાના પાણેથા ગામથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
વન્યજીવ વેચાણ કૌભાંડ : આ અંગે મળતી માહિતી મુજબ ઝઘડિયાના પાણેથા ગામથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા બે ઈસમોની વનવિભાગના અધિકારીઓએ ધરપકડ કરી હતી. ઉપરાંત આ શખ્સ દીપડાનું બચ્ચું ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી. એડવાન્સ રકમમાં લાખો રૂપિયા આપી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરવામાં આવ્યો હતો.
દીપડાના બચ્ચાનો સોદો : તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાણેથાના બે ઈસમોએ 4 માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું હતું. ત્યારબાદ આ બંને ઈસમો વડોદરાના ઈરફાન નામના ઈસમ સાથે જીવતા બચ્ચાને વેચવાની પેરવી કરી હતી. ઈરફાન દ્વારા દીપડાના બચ્ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં વેચાણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જે બાબત ગોરખપુર વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોના ધ્યાને આવી હતી. આ વીડિયોની તપાસ કરતા ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ પાણેથા ગામનો હોવાનું સામે આવ્યું હતું.
બે ઈસમોને દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા ઝડપી પાડ્યા છે. અગાઉ કોઈ વન્ય જીવો આ લોકો દ્વારા વેચવામાં આવ્યા છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે. -- રઘુવીરસિંહ જાડેજા (મદદનીશ વન સંરક્ષક, ભરૂચ)
બે ઈસમો ઝડપાયા : વન વિભાગના કર્મચારીઓ સયુંકત ઓપરેશન પાર પાડીને પાનેથા ગામના ગૌતમ પાદરીયા અને હરેશ પાટણવાડીયાની ધરપકડ કરી છે. વન વિભાગ દ્વારા બંને ઈસમોની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે વડોદરાનો ઈરફાન હાલ વોન્ટેડ છે.
વનવિભાગની કાર્યવાહી : આ અંગે વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગોરખપુર વાઈલ્ડ લાઈફ કંટ્રોલ બ્યૂરો અને મુંબઈ વાઈલ્ડ લાઈફ કંટ્રોલ બ્યૂરો દ્વારા છેલ્લા બે માસથી વીડિયોના આધારે તપાસ ચાલી રહી હતી. તે સમય દરમિયાન અમારી પાસે આવેલી માહિતીના આધારે વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને ઝઘડિયાના પાણેથા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં બે ઈસમો પાસેથી ચાર વર્ષનું દીપડાનું બચ્ચું મળી આવેલ હતું. તાત્કાલિક તેનો કબજો મેળવી બંને ઇસમોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.