ભરુચઃ કોરોના મહામારી વચ્ચે કોરોના વાઈરસથી કોઈ સ્વજનનું નિધન થાય તો પોતાના પરિવારજનો જ મૃતદેહને હાથ લગાવવા તૈયાર નથી હોતા અને સ્મશાનના કર્મચારીઓએ અંતિમ વિધિ કરવી પડે છે. ત્યારે અંકલેશ્વરમાં 2 દીકરીઓએ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અંકલેશ્વરના પીરામણ નાકા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મીનાબહેન ઉમેશકુમાર પંચાલનું કોરોનાના કારણે નિધન થતા તેમનો મૃતદેહ સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં લઇ જવામાં આવ્યો હતો. મીના બહેનને સંતાનમાં દીકરો ન હોવાથી તેમની 2 દીકરીઓએ દીકરાની ગરજ સારી હતી અને પી.પી.ઈ.કીટ પહેરી માતાને અગ્નિદાહ આપી પોતાની ફરજ બખૂબી નિભાવી હતી.જે જનેતાએ દીકરીઓને સમગ્ર જીવન જિંદગીના વિવિધ સંસ્કાર શીખવ્યા હતા એ જ દીકરીઓએ માતાને આવી મહામારી વચ્ચે અંતિમ સંસ્કાર આપી માતૃત્વનું ઋણ જાણે અદા કર્યું હતું.