ભરૂચ : અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલી UPL 1 કંપનીની દીવાલ સાથે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ટ્રક ચાલક દીવાલ તોડી કંપનીમાં રહેલી પાણીની પાઇપ લાઇન તેમજ ઇલેક્ટ્રીક સાધનોને તોડી નાખ્યા હતા. જેમાં રૂપિયા 7.50 લાખનું નુકસાન થયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર ઘટનાની વિગતો અનુસાર જામનગરના પાનાખાન વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીમાં રહેતા સ્વભાઈ રામસિંહ છેતરીયા ટ્રક નંબર-GJ-10 TX 8829 લઈ અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે કારણે આ ટ્રક ધડાકાભેર હાઇવે પર આવેલા યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ– UPL કંપનીની દીવાલ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ટ્રક ચાલક કંપનીની બાઉન્ડ્રી વોલ તોડી અંદર ઘુસી ગયો હતો. જેમાં કંપનીમાં રહેલી પાણીની પાઇપ લાઇન, ઓપ્ટિક ફાયબર, CCTV કેમેરાના વાયર, નેટવર્ક કેબલ, વેસ્ટ વોટર લાઇનને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં કંપનીને કુલ 7.50 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જે કારણે કંપનીના અધિકારીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.