- અંકલેશ્વરમાં પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદૂષણ
- એર ક્વોલીટી ઇન્ડેક્ષ પર પ્રદુષણની માત્રા રેડ ઝોનમાં પહોચી
- મહિનામાં 3 દિવસ પ્રદૂષણની માત્રા રેડ ઝોનમાં
ભરૂચઃ એશિયાની સૌથી મોટી કેમિકલ વસાહત તરીકે નામના પ્રાપ્ત કરનારા અંકલેશ્વરમાં દિન-પ્રતિદિન પ્રદુષણની માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ મહિનામાં ત્રણ દિવસ અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્ર રેડ ઝોનમાં પહોંચતા ચિંતાજાંક વાતાવરણ ઊભું થયું છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર પ્રદુષણમાં પણ અવ્વલ નંબર પર
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની નામના મેળવવાની સાથે-સાથે પ્રદુષણમાં પણ અંકલેશ્વર અવ્વલ નંબર પર સમયાંતરે નોંધાતું રહ્યું છે. અંકલેશ્વરના કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના કારણે જળ, જમીન તેમજ હવા દુષિત થઇ રહ્યા છે. ગત કેટલાક દિવસથી અંકલેશ્વરમાં પ્રદૂષણનો વધારો જોવા મળ્યો છે. જેમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ પર પ્રદૂષણનો આંકડો 300ને પાર જોવા મળી રહ્યો છે.
18 જાન્યુયારીએ પ્રદૂષણની માત્રા 321 નોંધાઈ હતી
18 જાન્યુયારીએ પ્રદૂષણની માત્રા 321 નોંધાઈ હતી. જેમાં જોખમી તત્વો ખુબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. પી.એમ.2.5ની માત્રા 321, પી.એમ. 10ની માત્રા 176, નાઈટ્રોજન ડાયોક્સાઈડ 29, એસ.ઓ 2ની માત્રા 43 નોંધાઈ હતી. તો કાર્બન મોનોક્સાઈડની માત્રા 93 નોંધાઈ હતી. એર ક્વોલીટી ઇન્ડેક્ષનો આંકડો સામાન્ય રીતે 100ની નીચે હોવો જોઈએ જે 321ને પાર પહોચ્યો હતો.
આ મહિનામાં 3 વખત પ્રદૂષણની માત્ર 300ને પાર થઇ
5 જાન્યુઆરીના રોજ 304
7 જાન્યુઆરીના રોજ 310
18 જાન્યુઆરીના રોજ 321
પ્રદૂષણ વધતાં લોકોને અસર
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પ્રદુષિત હવાના આકારને અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો આસપાસના ગામોમાં પણ પ્રદૂષણને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ માટે યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સંપર્ક કરાતા તેમણે રેડ ઝોન અંગે જણાવ્યુ હતું કે, આ નિર્ણય કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લેશે.
વર્ષ 2015માં અંકલેશ્વરને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં જળ, જમીન અને વાયુ પ્રદૂષણ વધતાં 7 વર્ષ સુધી ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં રાખવામા આવ્યું હતું. જેના કારણે અહીં નવા ઉદ્યોગો સ્થાપિત કરી શકાતા નહોતા, તો ઉદ્યોગોનું એક્ષપાન્સન પણ થઈ શકતું નહોતું. જો કે, કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ વર્ષ 2015માં અંકલેશ્વરને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાથી બહાર મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ સતત અંકલેશ્વરના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર અંકલેશ્વરને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં મૂકવામાં આવે તો નવાઈ નહીં.