ભરૂચઃ દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારજનોને સોપાયાં ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ગમગીની વચ્ચે પરિવારજનોનાં આક્રોશનાં દ્રશ્યો જોવા મળ્યા હતાં.
દહેજ ઔદ્યોગિક વસાહત સેઝ-2માં આવેલી યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બુધવારે સવારે કેમિકલ ટેન્કમાં પ્રેસર વધતા બ્લાસ્ટ અને આગ સાથે ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતાં. આગમાં 8 લોકો બળીને ભડથું થઇ ગયા હતાં. જ્યારે 74 લોકો દાઝતા સારવાર માટે ભરૂચની જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે, આસપાસના 10 કિલોમીટરમાં તેની અસર સાથે નજીકની કંપનીઓમાં પણ કાચ તૂટી ગયા હતાં તો નજીકના બે ગામ પણ ખાલી કરાવવામાં આવ્યાં હતા.
આ ઘટના બાદ ફાયર વિભાગ અને તંત્રના અધિકારીઓની ટીમ દ્વારા પ્લાન્ટમાં શોધખોળ કરાતા પ્લાન્ટમાંથી 6 વ્યક્તિનાં મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે બે કામદારોના સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રચંડ બ્લાસ્ટનાં કારણે મૃતદેહ ઓળખી પણ ન શકાય એવી પરિસ્થિતિ વચ્ચે મોડી રાત્રે કુલ 8 પૈકી 7 મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી અને તેઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુરૂવારે સવારે કાયદાકીય પ્રક્રિયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ગમગીની વચ્ચે આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે સવારે વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થતાં આ ઘટનામાં કુલ મૃત્યુઆંક 9 થયો છે. આજે સવારના સમયે પણ કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટના બની હતી. ટેન્ક ફાર્મમાં નાઈટ્રીક એસિડની ટેન્ક લીકેજ થવાને કારણે આગ લાગી હતી. જેને પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અન આગ પર કાબૂ મેળવ્યો હતો.
દહેજની યશસ્વી કંપનીની બ્લાસ્ટની ઘટનામાં મોતને ભેટેલા લોકોના નામ
૧. રશ્મીકાંત રાયચંદ ચૌહાણ- ઉ.વર્ષ-૩૫, રહે.માંગલ્ય સોસાયટી ભરૂચ, મૂળ અમદાવાદ
૨. સુરજલાલસિંહ બાબુરામસિંહ રાજપૂત-ઉ.વર્ષ.૩૫, રહે.દહેજ મૂળ-બિહાર
૩. નરેશ રમણભાઈ પ્રજાપતિ-ઉ.વર્ષ-૨૭, રહે.અંડાદા, મૂળ જંબુસર
૪. પ્રમોદ હરગોવિંદ યાદવ-ઉ.વર્ષ-૨૬, રહે.દહેજ, મૂળ ઉત્તર પ્રદેશ
૫.મુન્નાસિંગ શિવપ્રસાદસિંગ સિંગ-ઉ.વર્ષ ૩૮ રહે.દહેજ ,મૂળ બિહાર
૬. અરુણ બુધ્ધ્સેન કોરી-ઉ.વર્ષ ૧૯ રહે.ભેસલી, મૂળ મધ્યપ્રદેશ
૭. ત્રિપુરારીકુમાર રામકુમાર રાય-ઉ.વર્ષ ૨૫, રહે.લુવારા, મૂળ બિહાર
૮. એક અજાણ્યો ઇસમ-ઉ.વર્ષ.૩૦ થી ૪૦ વર્ષ
૯. અન્ય એક અજાણ્યો વ્યક્તિ-ઉ.વર્ષ આશરે ૩૫